ધારાસભ્ય દોડી આવ્યા:આણંદ અભ્યાસ માટે જવા પૂરતી બસ ન મળતા સાવલી ST ડેપોમાં વિદ્યાર્થીઓનો ચક્કાજામ

વડોદરા2 મહિનો પહેલા
એસ.ટી. બસોની પૂરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓએ સાવલી ડેપોમાં બસો અટકાવી દેતા બસોનો ખડકલો થઇ ગયો હતો.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આણંદ જાય છે. પરંતુ એસ.ટી. બસની અપૂરતી સુવિધા હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે. એસ.ટી. વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્ન હલ ન થતા આજે વિદ્યાર્થીઓએ સાવલી જૂના ST ડેપો ખાતે ચક્કાજામ કરતા ધારાસભ્ય દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. આ સાથે પ્રશ્ન ઉકેલવા માટે હૈયા ધારણા આપી હતી.

સાવલી એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો
સાવલી એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

વાઘોડિયા એસ.ટી. ડેપોમાં અનેક વખત બસો વધારવા રજૂઆત
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આણંદ અભ્યાસ માટે જાય છે. જેની સામે બસની વ્યવસ્થા ઓછી છે. એક બસમાં 136 જેટલા વિદ્યાર્થીઓને ઘેટા-બકરાંની જેમ બસમાં બેસીને અભ્યાસ માટે આણંદ જવું પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓએ વાઘોડિયા ડેપોમાં બસો વધારવા માટે અનેક વખત લેખિત અને મૈખિક રજૂઆતો કરી હતી. પરંતુ ST વિભાગ દ્વારા બસોની સંખ્યા વધારવામાં આવતી નહોતી. પરિણામે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને જીવના જોખમે બસમાં મુસાફરી કરીને કોલેજ જવું પડે છે.

વધુ બસોની માંગ સાથે વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા
વધુ બસોની માંગ સાથે વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા

આણંદ અભ્યાસ કરીને પરત આવવામાં પણ બસોની અપૂરતી સુવિધા
એ તો ઠીક, માંડ માંડ અભ્યાસ માટે આણંદ જતા વિદ્યાર્થીઓને ઘરે પરત આવવા માટે પણ સાવલી રૂટની બસો મળતી નથી. ST વિભાગમાં પાસ કઢાવ્યા હોવા છતાંય વિદ્યાર્થીઓનો સમય સચવાય તેવી રીતે પણ બસોનો રૂટ શરૂ નહીં કરતા આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જૂના ST ડેપો ખાતે ચક્કાજામ કરી દીધું હતું. વિદ્યાર્થીઓએ તમામ રૂટની બસો રોકી દીધી હતી. જેને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે વિદ્યાર્થીઓ એકના બે ન થતા સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદાર તેઓને સમજાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને ટૂંક જ સમયમાં બસની સમસ્યા દૂર કરી આપવાનું આશ્વાસન આપ્યું હતું.

એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા ધારાસભ્ય દોડી ગયા
એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા ધારાસભ્ય દોડી ગયા

વિદ્યાર્થીઓએ ચક્કાજામનું શસ્ત્ર ઉગામતા ભાજપના ધારાસભ્ય દોડતા થયા
મહત્વની વાત એ છે કે, વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નના નિરાકરણ માટે કોઈ રાજકીય અગ્રણીઓ પાસે સમય નથી, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સાવલીના વિદ્યાર્થીઓએ ભોગવેલી તકલીફો પણ મુખ્ય વિષય બની શકે છે. એક તરફ પશુપાલકોના હિત માટે લડતા ધારાસભ્ય બીજી તરફ વિદ્યાર્થીઓના હિતની લડાઇમાં ઉણા ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. અભ્યાસ માટે ઘેટા-બકરાની જેમ બસમાં જોખમી મુસાફરી કરતા વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા અત્યારસુધી કોઈ ન આવતા આજે વિદ્યાર્થીઓને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...