ગેસ ચોરી:અપનાબજારના ગોડાઉનમાંથી ઉજ્જવલાનાં સિલિન્ડર મળ્યાં

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેકિંગમાં 46 સિલિન્ડરમાં ઘટ મળી : સુનાવણી બાદ કાર્યવાહી થશે

માંડવી અપના બજારના 3 કર્મચારી વડસર પાસે ટેમ્પામાં ખાલી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા ઝડપાતાં માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી હતી. જે બાદ પુરવઠા વિભાગે પણ અપના બજારના ગોડાઉનમાં તપાસ કરતાં 46 સિલિન્ડરોમાં ઘટ જોવા મળી હતી. પુરવઠા વિભાગ સુનાવણી હાથ ધરી એજન્સી સામે પગલાં ભરશે.

ગેસ ટ્રાન્સફર કરવા મામલે માંજલપુર પોલીસે રાજુ મનસારામ મોહીરે, આનંદ ભીમરાવ જાદવ, પ્રવીણ નરેન્દ્ર ભાંભરે સામે આવશ્યક ફરિયાદ દાખલ કરાઈ હતી. પુરવઠા ઈન્સ્પેક્ટર અને ઝોનલ ઓફિસર દ્વારા અપના બજાર ઇન્ડિયન ગેસ એજન્સીની માંડવી ઓફિસ અને તેના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસમાં તમામ ગેસના બોટલનું વજન કરવા માટે તોલમાપ અધિકારીને પણ હાજર રખાયા હતા અને તમામ ડોક્યૂમેન્ટની ચકાસણી કરાઈ હતી. તપાસમાં કુલ 46 ગેસના બોટલોમાં ઘટ સામે આવી હતી. ઉપરાંત અગાઉના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં જે ગ્રાહકો લઇ ગયા નથી તેના બોટલનો સ્ટોક પણ મળ્યો હતો. પુરવઠા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોટલ ડિલિવરી જવાબદારી જે તે ગેસ એજન્સીની રહે છે. આ બાબતે તેના પુરાવા મગાયા છે અને તેમને રજૂ કરવા નોટિસ આપી છે.

પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે, અપના બજાર ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ ધારો 1955 પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠાના નિયમ હુકમ 2000 તથા આવશ્યક ચીજવસ્તુ પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત હુકમ 1981ની જોગવાઇઓનો ભંગ કર્યો છે. તેમણે ડિલિવરી માટેનાં વાહનો બાબતે શું કરેલું છે તે બાબતના સંતોષકારક પુરાવા રજૂ કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...