અધ્યાપકોને સૂચના:ટીવાય બીકોમમાં રોજ હાજરી પૂરાશે,દર મહિને PTA મિટિંગ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે ભણાવવા અધ્યાપકોને સૂચના
  • ક્રેશ કોર્સથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો ડર ભગાવાશે

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયની શરૂઆત ગુરુવાર 4 ઓગસ્ટથી થઇ રહી છે. વીસીની સૂચનાઓના પગલે યુજીસીના નિયમના ઓથા હેઠળ વિદ્યાર્થીઓની હાજરી 80 ટકા ફરજિયાત કરવામાં આવી છે. જેના માટે કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ બેઠક કરી હતી. જેમાં ટીવાય બીકોમમાં વિદ્યાર્થીઓની રોજ હાજરી પૂરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સ્કૂલોમાં જે પ્રમાણે પેરન્ટ-ટીચર મિટિંગ હોય છે તે પ્રકારે મહિનાના છેલ્લા રવિવારે પેરન્ટ્સ સાથે અધ્યાપકો મિટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા ક્રેશ કોર્સ કરાવવાનો નિર્ણય કરાયો છે.

મ.સ.યુનિ.ના ટીવાય બીકોમમાં વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની પૂરતી હાજરી નહિ થાય તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓ માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.

ટીવાયના વર્ગો શરૂ થાય તે પહેલાં કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની એક બેઠક મળી હતી, જેમાં વિદ્યાર્થીઓ હાજર રહે તે માટે હકારાત્મક અભિગમ સાથે કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેના માટે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. અધ્યાપકોને પણ ક્લાસ શરૂ થાય તેના અડધો કલાક પહેલાં ફેકલ્ટીમાં હાજર થઇ જવા માટેની સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ ગુજરાતી માધ્યમના જે પણ વિદ્યાર્થીઓ છે તેમને અંગ્રેજીનો ડર દૂર કરવા માટે ક્રેશ કોર્સ ચલાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે દરેક બિલ્ડિંગ પર ફરિયાદ પેટી પણ મૂકવામાં આવશે. અધ્યાપકોને પણ એવી સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે ભણાવવામાં આવે, જેથી પૂરતી હાજરી આપે.

વર્ષો પહેલાં પણ કોમર્સ ફેકલ્ટીમાં ફરજિયાત હાજરીનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત કેટલાંક વર્ષો પહેલાં પણ યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં ફરજિયાત હાજરીનો નિયમ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે કેટલાંક કારણોસર તે વખતે આ નિયમ વધુ સમય સુધી ટકી શક્યો ન હતો. ત્યારે આ વખતે કેટલો ટકશે તે અંગે ચર્ચા જામી છે.

અન્ય સમાચારો પણ છે...