મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 5 જાન્યુઆરીથી ટીવાયની એન્ડ સેમિસ્ટર પરીક્ષા લેવામાં નહિ આવે. આ અંગે અગાઉ તારીખો જાહેર કરી દેવામાં આવી હતી. જોકે તેના માટે કોઇ પ્રક્રિયા જ કરવામાં આવી નથી. કોમર્સ ફેકલ્ટીમાં સત્ર સમયસર ચાલી રહ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા મોટા ઉપાડે પરીક્ષાઓની જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે પરીક્ષાનું શિડ્યૂલ ગોઠવવામાં આવ્યું નથી, જેના કારણે હવે પરીક્ષા 15 જાન્યુઆરી બાદ લેવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાના પગલે વિદ્યાર્થીઓને પણ પરીક્ષાની તારીખો ક્યારે જાહેર થશે તે અંગે અસમંસજ હતી.
જોકે હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નથી. 5 જાન્યુઆરીથી એફવાય બીકોમની મીડ સેમિસ્ટરની પરીક્ષા તથા એમકોમ પ્રિવિયસની મીડ સેમિસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે. જેના માટે બેઠક વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ટીવાય બીકોમની મીડ સેમિસ્ટર પરીક્ષા જેમણે નથી આપી તેમના માટે એરિયર ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે તે અંગેની પણ કોઇ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાની તારીખોને લઇને વિદ્યાર્થીઓ વારંવાર પરેશાન થઇ રહ્યા છે. પરીક્ષાની તારીખો મોડી જાહેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પરીક્ષાના પરિણામો પણ સમયસર આપવામાં આવી રહ્યા નથી. જેના કારણે બીજી પરીક્ષાઓમાં પણ વિલંબ થઇ રહ્યો છે. વિદ્યાર્થીની ફી પણ ભરવા માટે પણ સમસ્યાઓ ઉભી થતી હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા ના હોય તેવી પરિસ્થીતીનું નિમાર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.