રેસ્ક્યૂ ઓપરેશન:વડોદરાના બે યુવાનો વાઘોડિયા પાસેની નર્મદા કેનાલમાં ડૂબ્યા, બીજા દિવસે પણ લાપતા યુવાનોની શોધખોળ શરૂ

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાપતા થયેલા ભાવેશ અને રાકેશની ફાઈલ તસવીર - Divya Bhaskar
લાપતા થયેલા ભાવેશ અને રાકેશની ફાઈલ તસવીર
  • લાપતા થયેલા બે યુવાનો સહિત ત્રણ યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા રીક્ષા લઈને ગયા હતા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રામપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરૂવારે સાંજે વડોદરાના બે યુવાનો ડૂબી જતા લાપતા થયા હતા. આજે બીજા દિવસે પણ બંને યુવાનોની ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી છે. લાપતા થયેલા બે યુવાનો સહિત ત્રણ યુવાનો તાડફળીનો ઓર્ડર આપવા માટે રીક્ષા લઈને ગયા હતા.

યુવાનો તાડફળીનો ઓર્ડર આપીને ઘરે પરત જતા હતા
વડોદરાના અટલાદરા પાસે વિનાયકપુરા નજીક રહેતા યુવાનો ભાવેશ પરમાર અને રાકેશ માળી સહિત ત્રણ યુવાનો વર્તમાન ઉનાળાની ઋતુમાં તાડફળીનો વ્યવસાય કરવા માટે વાઘોડિયા તાલુકાના રામપુરા ગામ પાસે તાડફળીનો ઓર્ડર આપવા માટે ગયા હતા. તાડફળી વેચવાનું કામ કરતા પરિવારે 10 દિવસ બાદ તાડફળી લઈ જવા માટે જણાવ્યું હતું. આ ત્રણેય મિત્રો ઓર્ડર આપીને પરત ફરી રહ્યા હતા.

એક યુવાન ડૂબતા બચાવવા ગયેલો યુવાન પણ પાણીમાં તણાયો
દરમિયાન ભાવેશ રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યો હતો. પગ લપસી જતાં તે કેનાલના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જેને બચાવવા માટે તેનો મિત્ર કાળુભાઈ માળી કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ મિત્રની સાથે તે પણ નર્મદાના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડની ટીમે મોડીરાત સુધી યુવાનોની શોધખોળ કરી હતી
ફાયર બ્રિગેડની ટીમે મોડીરાત સુધી યુવાનોની શોધખોળ કરી હતી

એનડીઆરએફની પણ મદદ લેવાઇ
આ બનાવની જાણ અન્ય મિત્રએ વાઘોડિયા પોલીસને કરતાં તુરંત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તે સાથે સ્થાનિક લોકો પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા. નર્મદા કેનાલમાં લાપતા બનેલા યુવાનોની શોધખોળ માટે પોલીસે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે આ બંને યુવાનોને શોધવા માટે એનડીઆરએફની ટીમ ની પણ મદદ લેવામાં આવી રહી હતી.

બીજા દિવસે પણ બંને યુવાનોની શોધખોળ શરૂ કરાઇ
જોકે મોડી રાત સુધી લાપતા થયેલા યુવાનો પત્તો મળ્યો ન હતો. જેથી આજે સવારે ફરીથી બંને યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરા અટલાદરા વિસ્તારના બે યુવાનો નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.