રખડતા પશુનો ત્રાસ યથાવત:વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ટુ-વ્હિલર ચાલકને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત

વડોદરાએક મહિનો પહેલા
રોડ પર અડિંગો જમવી બેસેલ ઢોરની ફાઇલ તસવીર.

વડોદરામાં ગાયના હુમલા બંધ થવાની ઘટનાઓ વિરામ લેવાનું નામ લેતી નથી. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં ગતરાત્રે એક ટુ-વ્હિલર ચાલકને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. આથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ટુ-વ્હિલર ચાલક આધેડને હાથે અને પગે ઇજા
વડોદરામાં નવા યાર્ડ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય આધેડ દલાલ અલી તાબુખાન પઠાણ ગતરાત્રે સાડા દસ વાગ્યે ટુ-વ્હિલર લઇને નિકળ્યા હતા. દરમિયાન સંતોકનગર પાસે અચાનક જ ગાયે તેમને અડફેટે લીધા હતા. જેથી તેમને હાથ અને પગે ઇજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે.

કોર્પોરેશને પગલા લેવા જોઇએ
ગાયની અડફેટે ઘાયલ દલાલઅલીના પુત્ર કેફે દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે પગલા ભરવા જોઇએ. આવી ઘણી ઘટનાઓમાં નિર્દોષ લોકોના મોત થાય છે. કોર્પોરેશને રખડતા ઢોર મુકતા પશુપાલકોને પણ સમજાવવા જોઇએ અને તેમના માટે અલગ વ્યવસ્થા કરવી જોઇએ.

વાંરવાર સુચનો છતાં સ્થિતિ યથાવત
ઉલ્લેખનીય છે કે, વડોદરાના મેયર કેયુર રોકડિયાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવાની કામગીરી કડક કરવાના જાહેરમાં સુચનો અપાયા છતાં રખડતા ઢોરની અડફેટે લોકો ઇજાગ્રસ્ત કે જીવ ગુમાવવાના બનાવો બની રહ્યા છે.

એક વિદ્યાર્થીની આંખ ફૂટી હતી
નોંધનીય છે કે, ગત મે મહિનામાં એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હેનીલ પટેલને ગાયે અડફેટે લેતા તેની આંખ ફૂટી ગઇ હતી. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં શહેર નજીક ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરે હાઇવે પર અચાનક ગાય દોડી આવતા એક છકડો પલટી ખાતા અંદર બેસેલી મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલકને ઇજા થઇ હતી.