વિદેશમાં નોકરી અપાવતી કંપનીમાંથી પગાર અને લોન મેળવી USAમાં બોગસ કંપની ઊભી કરી પોતાની કંપની સાથે 24.73 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર બે ભેજાબાજો સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોધાઇ છે.
કંપની USAમાં નોકરી અપાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે
મૂળ આસામનો રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતો અભિષેક મિશ્રા અટલાદરા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની સ્કીલ તેમજ નોલેજેબલ વ્યક્તિઓને USA ખાતે નોકરી અપાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમની કંપનીમાં વર્ષ-2016થી સાગર બસંતાની (રહે. સંત કવર કોલોની, વારસીયા) ટેક્નિકલ રીક્રુટર તરીકે અને વર્ષ-2018થી હિરલ વધવાણા (રહે. સંગમ સોસાયટી, વારસીયા ) એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
USAમાં બોગસ નામે ખાનગી કંપની ખોલી
કંપનીની તાલીમ મુજબ તેમને કંપનીના કોન્ફિડેન્સીઅલ ડેટા અને માહિતી ટ્રેનિંગ દરમિયાન પૂરી પાડવામાં આવી હતી. વર્ષ-2021માં હિરલે માંગણી કરતા કંપનીએ વગર વ્યાજે રૂપિયા 6.50 લાખની લોન આપી હતી. આ દરમિયાન સાગરે કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ કંપનીને જાણવા મળ્યું હતું કે, સાગર તથા હિરલ ભેગા મળી કંપનીની જાણ બહાર USAમાં બોગસ નામે ખાનગી કંપની ખોલી ફરિયાદીની કંપનીના ડેટાનો ઉપયોગ કંપનીના કલાયન્ટ સાથે કર્યો હતો.
કંપનીને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું
કંપનીમાં છેલ્લા 6 મહિના દરમિયાન સાગરે રૂપિયા 7.33 લાખ અને હિરલે રૂપિયા 9.74 લાખ વેતન તેમજ રૂપિયા 7.65 લાખની લોન મેળવી કુલ રૂપિયા 24.73 લાખ ઉપરાંતનું કંપનીને નુકસાન પહોંચાડ્યું છે. સાથે ખાનગી ડેટા ચોરી કંપનીને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
કંપનીના ડાયરેક્ટરે બે ભેજાબાજો સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી
સાઇબર ક્રાઇમે કંપનીના ડાયરેક્ટરની ફરિયાદના આધારે પોલીસે હિરલ અને સાગર વિરુદ્ધ છેતરપિંડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.