વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ખોડિયારનગરમાં ગાય રસ્તામાં આવી જતા બે વિદ્યાર્થીનીને ઇજા, છાણી અને સિટી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી જપ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાઇનીઝ દોરી સાથે ઝડપાયેલ આરોપીઓ. - Divya Bhaskar
ચાઇનીઝ દોરી સાથે ઝડપાયેલ આરોપીઓ.

શહેરના ખોડીયાર નગર રોડ ઉપર ગાય આવી જતાં મોપેડ સવાર બે યુવતીઓ રોડ ઉપર પટકાતા ઇજા પામી હતી. ઇજાગ્રસ્ત યુવતીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મળેલી માહિતી પ્રમાણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તુલસી અને અમીષા મેવાડા મોપેડ ઉપર કોલેજથી ઘરે આવી રહી હતી. દરમિયાન ખોડીયારનગર રોડ ઉપર રસ્તામાં રખડતી ગાય એકાએક મોપેડની આગળ આવી જતાં, મોપેડ સવાર કોલેજીયન યુવતીઓ રસ્તામાં ફંગોળાઇ ગઇ હતી. જેમાં એક યુવતીને પગમાં અને બીજીને માથામાં ઇજા પહોંચી હતી.

આ ઘટના બનતા પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. સદભાગ્યે પાછળથી કોઇ મોટું વાહન આવી રહ્યું ન હોવાથી બંને વિદ્યાર્થીનીનો આબાદ બચાવ થયો હતો. નોંધનીય બાબત એ છે કે, શહેરમાં રસ્તે રઝળતી ગાયો લોકો માટે મુશ્કેલીરૂપ બનવા છતાં, પાલિકા તંત્ર દ્વારા કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છાણીમાં સીટી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી જપ્ત
શહેરના પતંગના દોરાથી ગળા કપાવાની ઘટના બાદ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીની 20 ફિરકી સાથે સાજીદ ઇસ્માઇલભાઇ મલેક, અયાઝ હકીમ અને મુદ્સર મનીરભાઇ પઠાણ ઝડપાઇ ગયા હતા. જ્યારે છાણી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીની 30 રીલ સાથે હીરાબેન સોલંકી અને અજયભાઇ સોલંકી પકડાઇ ગયા હતા. પોલીસે આ તમામ પાંચેય સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

હરણીમાં લગ્ન પ્રસંગમાં મુંબઇ ગયેલા આધેડના ઘરમાં ચોરી
શહેરના હરણી મોટનાથ મંદિર રોડ પર આવેલ કેસલ વિલામાં રહેતા પ્રવિણચંદ્ર નટવરલાલ શાહ તેમના ભાણીયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા મુંબઇ ગયા હતા. જ્યાંથી તેઓ ચેન્નઇ ફરવા ગયા હતા. આ દરમિયાન તેમના પડોશીએ ફોન પર જણાવ્યું હતું કે તેઓના ઘરમાં ચોરી થઇ છે. આ અંગે તેઓએ ઘરે પરત આવી તપાસ કરતા ઘરમાંથી ચાંદોનો મોટો બાઉલ અને ચાંદીનો જગ ચોરાઇ ગયો હતો. જેથી 11 હજારનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.