વડોદરા નજીક આવેલા ભાયલી ગામ સ્થિત પોસ્ટ ઓફિસના બે નિવૃત્ત પોસ્ટલ આસિસન્ટન્ટ અને ફેતગંજ પોસ્ટ ઓફિસમાંથી સસ્પેન્ડ કરાયેલા મળી ત્રણ પોસ્ટ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલા રૂપિયા 7.99 લાખના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ભેજાબાજ ત્રિપુટીએ માસિક બચત યોજનાના 20 ઉપરાંત બંધ પડેલા ખાતામાં જમા થતી વ્યાજની રૂપિયા 7.99 લાખ રકમ પોસ્ટ વિભાગમાં કાર્યરત ફિનેકલ સોફ્ટવેરની મદદથી ઓનલાઇન ઉપાડી લીધા હતા. તાલુકા પોલીસે ત્રિપુટી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને ત્રિપુટી પૈકી હસમુખ બારીયા અને બકુલચંદ્ર સોલંકીની અટકાયત કરી લીધી છે અને અશોક પટેલ ફરાર થઇ ગયો છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વેસ્ટ સબ ડિવીઝન ઓફિસ, પાદરામાં પોસ્ટ ઓફિસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અને ડી- 65, સંતરામ નગર પાદરામાં નીતિન બાબુભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. તેઓ ખાતાકીય તપાસ, પોસ્ટ ઓફિસના ઇન્સ્પેક્શન, ઉપલા અધિકારી દ્વારા સોંપવામાં આવતી તપાસ, ગ્રામીણ ડાક સેવકની ભરતી અને કર્મચારીઓ દ્વારા ગેરરીતી આચરવામાં આવે તો તેઓ સામે શિસ્ત ભંગની કાર્યવાહીનું કામ કરે છે.
7.99 લાખ રૂપિયા ઉઠાવી લીધા
તેઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાયલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને અશોક મણીભાઇ પટેલ (રહે. સી-152, સયાજી ટાઉનશિપ, આજવા રોડ, વડોદરા), ભાયલી પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા બકુલચંદ્ર ભાઇલાલભાઇ સોલંકી (રહે. પરબડી ફળીયું, સૈયદ વાસણા, વડોદરા) અને વડોદરા રેષકોર્સ સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હસમુખ જયંતિભાઇ બારીયા (રહે. સી-59, પર્ણકુટીર સોસાયટી, નારાયણ સ્કૂલ પાસે, વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ, વડોદરા) એ તા. 25-6-2016થી તા. 3-8-2018 દરમિયાન ભાયલી ગામ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા અગાઉ બંધ કરવામાં આવેલા માસિક યોજનાના (MIS) ખાતામાં પોસ્ટ માસ્તરના ખાતામાં તકનીકી કારણોસર પડી રહેલી વ્યાજની રકમ રૂપિયા 7,99,320 ની જાણકારીનો ગેરલાભ ઉઠાવી રૂપિયા 7,99,320 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
બે આરોપી ઝડપાયા
ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ત્રિપુટીએ ગ્રાહકોના નામના ફોર્મ (SB-7) ભરીને ખાતા ધારકોના નામની ખોટી સહીઓ કરી હતી. તે બાદ આરોપી બકુલચંદ્ર સોલંકીના ફીનેકલ સોફ્ટેવરના યુઝર તરીકે અશોક પટેલનો અલગ અલગ તારીખોમાં ઉપયોગ કરી ઓનલાઇન સિસ્ટમ દ્વારા ભાયલી સબ પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 7,99,320 રકમ ઉપાડી લીધી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો છે અને ત્રિપુટી પૈકી હસમુખ બારીયા અને બકુલચંદ્ર સોલંકીની અટકાયત કરી લીધી છે અને અશોક પટેલ ફરાર થઇ ગયો છે.
પોસ્ટ ઓફિસમાં "ફિનેકલ " સોફ્ટવેર અમલમાં મુકાયું
તાલુકા પોલીસ મથકમાં નીતિન પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2015 પહેલાં પોસ્ટ ખાતામાં બેન્કીંગ સેવાઓ માટે "સંચય પોસ્ટ" નામનું સોફ્ટવેર ચાલતું હતું. સમયાંતરે બેન્કીંગ સેવાઓને ઓનલાઇન કરવામાં આવતા પોસ્ટ ઓફિસમાં "ફિનેકલ " સોફ્ટવેર અમલમાં મુકવામાં આવ્યું છે અને આજે પણ પોસ્ટ ઓફિસોમાં "ફિનેકલ" સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમ અમલમાં આવતા સિસ્ટમ એડમીનની ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ દ્વારા વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવે છે. અને જો ગેરરીતીઓ જણાઇ આવે તો જેતે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ભાયલી ગામની પોસ્ટ ઓફિસમાં અશોક પટેલ, બકુલચંદ્ર સોલંકી અને હસમુખ બારીયા દ્વારા તેઓની ફરજ દરમિયાન તેમણે રૂપિયા 7.99 લાખનું કૌભાંડ આચર્યું હતું.
વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
ભેજાબાજ ત્રિપુટી પૈકી અશોક પટેલ અને બકુલચંદ્ર સોલંકી દ્વારા વિવિધ ખાતેદારોના ખાતામાંથી રૂપિયા 7,52,720 અને રેસકોર્ષ સર્કલ, વડોદરા ઓફિસમાં ફરજ બજાવનાર હસમુખ બારીયાએ રૂપિયા 46,600ની કાયમી ઉચાપત કરી હતી. નોંધનીય છે કે, અશોક પટેલ અને બકુલચંદ્ર સોલંકીએ વર્ષ-2019માં સ્વૈચ્છીક નિવૃત્તી લીધી હતી. જ્યારે હસમુખ બારીયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ટોળકી દ્વારા 20 ઉપરાંત ખાતેદારોના વ્યાજની રકમ "ફિનેકલ' સોફ્ટવેરની મદદથી ઉપાડી લઇ કૌભાંડ આચર્યું હચું. જે અંગે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતાં વ઼ડોદરા અને ગ્રામ્ય પોસ્ટ વિભાગમાં ચકચાર મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.