હુકુમ:લાંચ પ્રકરણમાં ખાતાકીય તપાસ બાદ બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શી ટીમમાં ફરજ બજાવતી વેળા રૂા. 5 હજારની લાંચ માગ્યાનો આક્ષેપ
  • સંજયકુમારની નોકરી શી ટીમમાં ન હોવા છતાં તે નોવેલ સાથે ગયો હતો

ફરજમાં બેદરકારી અને રૂા.5 હજારની લાંચ લેવાના આક્ષેપો વચ્ચે ખાતાકીય તપાસ બાદ ડિસીપી ઝોન 2 અભય સોની દ્વારા હાલ સીટી પોલીસની શી ટીમ અને છાણી પોલીસ મથકના ડીસ્ટાફમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.ડીસીપી અભય સોનીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ફરિયાદી ચંદ્રકાંત લવજીભાઈ માંડણકાની દિકરીએ અન્ય ધર્મમાં લગ્ન કર્યાં છે. લગ્ન બાદ ચંદ્રકાંતભાઈને જાણ થઈ હતી કે, તેમની દિકરીને સાસરીયામાં દુ:ખ પડી રહ્યું છે. જેથી તેમને શી ટીમનો સંપર્ક સાધ્યો હતો.

જેમાં હાલ સીટી પોલીસ મથકમાં શી ટીમમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ નોવેલ વિનોદભાઈ ચંદ્રકાંતભાઈની દિકરીના સાસરે જવાના બદલે ફરિયાદીના ઘરે જ પહોંચ્યો હતો અને તેમને ધાકધમકી આપીને મામલો થાળે પાડ્યો હતો. જેની ફરિયાદ ઉચ્ચ અધિકારી સુધી પહોચતા તપાસ હાથ ધરી હતી. જેમાં તે દોષી નિકળતા તેની સામે કાયદેસરના પગલા ભરાયા હતાં.આ ઉપરાંત હાલ છાણી પોલીસ મથકમાં ડિસ્ટાફમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર ઉદેસીંહ પોલીસ કોન્સ્ટેબલ નોવેલ વિનોદભાઈ સાથે ચંદ્રકાંતભાઈના ઘરે પહોચ્યો હતો.

સંજયકુમારની નોકરી શી ટીમમાં ન હોવા છતા તે નોવેલ સાથે ગયો હતો. બંનેએ સાથે મળીને ચંદ્રકાંતભાઈના ઘરે શંકાસ્પદ કામગીરી કરી હતી. પોલીસસુત્રોના મતે બંને પોલીસ કર્મચારીઓએ ફરિયાદી સાથે રૂપીયાની લેતી-દેતી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ચકચારી બનાવમાં લાંચના આક્ષેપો કરવામાં આવ્યાં બાદ તપાસ સોંપવામાં આવી હતી અને તપાસના અંતે બન્ને જવાનોએ લાંચ લીધી હોવાનું જણાતા બન્ને સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સસ્પેન્ડ કરાયેલા બંને પોલીસ કર્મચારીની શંકાસ્પદ ગતિવિધિના CCTV ફૂટેજ મળ્યાં
ફરિયાદીના ઘરે પહોચીને શંકાસ્પદ ગતિવિધી કરનારા બંને સસ્પેન્ડેબલ પોલીસકર્મચારીઓના સીસીટીવી ફુટેજ પણ ડિસીપી દ્વારા આપવામાં આવ્યાં છે. આ સીસીટીવી વિડિયો 5 ઓગષ્ટ 2021નો રાતે 8 વાગ્યાનો છે. જેમાં શી ટીમની ગાડી ફરિયાદીના ઘરના પ્રાંગણમાં ઉભી છે. જેમાં બંને પોલીસ ક્રમચારીઓ શંકાસ્પદ ગતિવિધી કરતા દેખાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...