રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ પર અંકુશ લાવવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવવામાં આવ્યો છે, ત્યારે વડોદરા તાલુકાના દુમાડ અને ડભોઇ તાલુકાના ગોજાલી ગામની જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગના એક્ટ હેઠળ વડોદરા જિલ્લા પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માલિકો પાસેથી જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા સોલીટેર-9માં રહેતા પ્રિયંકાન્ત પુંજીલાલ મહેતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2018માં વડોદરા તાલુકાના દુમાડ ગામે આવેલા બ્લોક નં-580 જુનો સવે નં-722, 723, 724 ક્ષેત્રફળ 12445 વાળી જમીન મેં અને મારા પરિવારના સભ્યોએ સવિતાબેન રમણભાઇ પાટણવાડિયા તથા અન્ય માલિકો પાસેથી વેચાણ દસ્તાવેજ કરીને વેચાણ લીધી હતી.
કાયદા વિરૂદ્ધનો બાંહેધરીનો કરાર તૈયાર કરાવ્યો
દરમિયાન સવિતાબેને 21 ઓગસ્ટ-2019ના રોજ નોટરી આર. જી. પરીખ સમક્ષ કાયદા વિરૂદ્ધનો બાંહેધરીનો કરાર તૈયાર કરાવડાવ્યો હતો. તે કરારમાં જણાવાયું છે કે, ઉપરોક્ત મિલકતમાં સવિતાબેનના ભાગે 45000 ચોરસ ફૂટ જગ્યા આવે છે અને આ મિલકત હિતેન્દ્રસિંહ સંપતસિંહ પઢિયારને લખી આપી છે. સવિતાબેન એ વાત જાણતા હતા કે, તેઓના કુટુંબીજનોના કહેવાથી તે મિલકત પ્રિયકાન્ત મહેતાની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કર્યો છે. હકિકતમાં સવિતાબેનના ભાગે 16,731 ચોરસફૂટ (1555 ચો.મી.) જમીન જ આવે છે અને તે મિલકત જ પ્રિયંકાન્ત અને તેના પરિવારના સભ્યોને વેચાણે આપી છે અને તેના અવેજની રકમ પણ મેળવી લીધી છે.
તાલુકા પોલીસે ફરિયાદ નોંધી
આમ છતાં બોગસ કરાર કરીને તેઓએ 2018થી પ્રિયંકાન્તની માલિકીની જગ્યાનો ગેરકાયદે કબજો લઇ તે જગ્યા પર પતરાના કાચા ઝુંપડા બનાવી દીધા છે અને આવવા જવાનો રસ્તો બ્લોક કરી દીધો છે. તેની સાથે વાહન રીપેરીંગનું ગેરેજ બનાવી દઈ વેપલો શરૂ કર્યો છે. પ્રિયકાન્ત મહેતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે સવિતાબેન સંપતસિંહ પઢીયાર, હિતેન્દ્રસિંહ સંપતસિંહ પઢિયાર(રહે, ઉમેટા, આઝાદ ચોક, તા. આંકલાવ જી.આણંદ ) અને સમીરસિંહ કનકસિંહ છાસટીયા( રહે, દુમાડ, ખોડિયાર માતાના મંદિર પાસે, તા. જી. વડોદરા ) સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ડભોઇના ગોજાલી ગામમાં ગેરકાયદે પચાવી પાડી
બીજા બનાવમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગોજાલી ગામના વતની અને હાલમાં વડોદરાના તરસાલી વિસ્તારના સેવાતીર્થની સામે આવેલા મ. નં-43, આદર્શનગર સોસાયટીમાં રહેતા હસમુખ કાંતિભાઇ પાટણવાડીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી વડીલોપાર્જિત જમીન ગોજાલીમાં આવેલી છે. આ જમીન પર દિનેશ નાથા મકવાણા(રહે, રોહિત ફળીયુ, કડધરા તા.ડભોઇ )એ ખોટી રીતે કબજો જમાવી લીધો છે. ગત 1 જાન્યુઆરી-2018ના રોજ હું જમીન ખેડવા માટે ગયો હતો, ત્યારે દિનેશે મને મારી નાખવાની ધમકી આપી હતી અને મારી જમીનમાં પ્રવેશવા દીધો ન હતો. આમ હસમુખ પાટણવાડિયાની જમીન ગેરકાયદે પચાવી પાડવા કારસો કરનાર સામે ડભોઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.