વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કોર્પોરેશન દ્વારા વધુ બે ફ્લાયઓવર પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવશે. જેમાં એક બ્રીજ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને બીજો વૃંદાવન ચાર રસ્તા પર બનશે. બ્રિજની કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. તેમજ આ બ્રિજ બે વર્ષમાં બનીને તૈયાર થઇ જશે.
રિંગ રોડના બે જંક્શન પર બ્રિજ બનશે
વડોદરા શહેરનો વિસ્તાર અને વસ્તી વધી રહી છે તે પ્રમાણે ટ્રાફિકમાં પણ વધારો થઇ રહ્યા છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. જે હેઠળ હવે પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા તેમજ વૃંદાવન ચાર રસ્તા પર ફ્લાયઓવર બ્રિજ બનશે. આ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
98.58 કરોડના ખર્ચે બનશે બે બ્રિજ
ટેન્ડર અનુસાર સરદાર એસ્ટેટ જંક્શન પર 50 કરોડ 7 લાખ 71 હજારના ખર્ચે બ્રિજ બનશે. તેમજ વૃંદાવન જંક્શન પર 48 કરોડ 51 લાખ 80 હજારના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. બંને બ્રિજ આગામી બે વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. જેથી આ અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે.
વડોદરામાં ગુજરાતનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ
તાજેતરમાં જ વડોદરામાં સૌથી લાંબા સાડા ત્રણ કિલોમીટરના શહેરી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શહેરના ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી બનાવવામાં આવ્યો છે. જેથી હવે માત્ર ચાર મિનિટમાં આ અંતર કપાઇ જાય છે. આ બ્રિજ પર ડીપ ઇરિગેશન પદ્ઘતિથી પ્લાન્ટેશન પણ કરવામાં આવ્યું છે. તેમજ વિવિધ જંક્શન પર નીચે ઉતરવાની સુવિધા અપાઇ છે. આ બ્રિજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બન્યો છે.
પૂર્વ-પશ્ચિમનો સરખો વિકાસ
વડોદરામાં પૂર્વ કરતા પશ્ચિમ વિસ્તારમાં વિકાસ વધુ જોવા મળતો હતો.જેથી વધુ પૂર્વ વિસ્તારનો પણ વિકાસ થાય તે માટે ચાર કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેનું આગામી દિવસોમાં લોકાર્પણ થશે. ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં બે નવા ફ્લાયઓવર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી શહેરનો સર્વાંગી વિકાસ દેખાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.