કોરોના વડોદરા LIVE:આજે 3 પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લાના 536માંથી 504 ગામમાં પહેલા ડોઝનું 100 ટકા વેક્સિનેશન

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વડોદરામાં 60 વર્ષ કે તેથી વધુ વયનો એક પણ દર્દી કોરોનાની સારવાર હેઠળ નથી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,086 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,451 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં રવિવારે 12 દિવસ બાદ 3 નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેર-જિલ્લામાં સોમવારે 1 નવો કેસ આવ્યો હતો. આ કેસ ઓપી રોડ વિસ્તારમાં નોંધાયો હતો.

536માંથી 504 ગામમાં પહેલા ડોઝનું 100 ટકા વેક્સિનેશન વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના પ્રોત્સાહક નેતૃત્વ હેઠળ કોરોનાની રસી આપવાની કામગીરી સુનિયોજિત અને સુચારૂ રીતે ચાલી રહી છે. રજાના દિવસોમાં અને અવાર નવાર મહાઅભિયાનો યોજીને રસીકરણને વેગવાન બનાવવાની સાથે વિવિધ શંકા કુશંકા નીવારીને વિવિધ સમુદાયોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને લોક પ્રતિનિધિઓનો કોરોના સામેની લડાઈના આ કામમાં ઉત્સાહભર્યો સહયોગ મળ્યો છે. તેના પરિણામે વડોદરા જિલ્લાની 536 પૈકી 504 ગ્રામ પંચાયતોમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ પૂરું થઈ ગયું છે.

આજે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 8968 લોકોએ વેક્સિન લીધી
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે કોરોનાની રસી મૂકવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આજ બુધવારના રોજ પ્રથમ ડોઝ હેઠળ 18થી 44 વયના 924, 45થી 59ના 427 અને 60થી ઉપરના 147 મળીને કુલ 1497 લોકોએ પહેલા ડોઝની રસી મુકાવતા કુલ સંખ્યા 10,66,029 થઈ છે. જ્યારે આજે વિવિધ વય જૂથના 7471 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવતાં બંને ડોઝની રસી પૂરી કરનારાઓની સંખ્યા વધીને 6,13,424 થઈ છે. આમ, આજ રોજ કુલ 8968 લોકોએ રસી મુકાવી છે અને ફક્ત પહેલો અને અથવા બંને ડોઝની રસી લીધી હોય તેવા લોકોની સંખ્યા વધીને 16,80,851 થઈ છે.

હાલમાં ક્વોરન્ટીન લોકોની સંખ્યા 29 નોધાઇ
બીજી તરફ હવે શહેરમાં 60 વર્ષ કે તેથી વધુ વયનો એક પણ દર્દી કોરોનાની સારવાર હેઠળ નથી. સૌથી વધુ એક્ટિવ દર્દી 21થી 30 વર્ષની વચ્ચેના 4 દર્દીઓ છે. હાલમાં કુલ 11 એક્ટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 1ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં ક્વોરન્ટીન લોકોની સંખ્યા 29 નોધાઇ છે.

મ્યુકોરમાઇકોસિસથી વધુ 2 દર્દીના મોત
સોમવારે મ્યુકોરમાઇકોસિસને લીધે સારવાર લેતાં 2 દર્દીઓનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે બંને હોસ્પિટલમાં એક પણ નવો કેસ આવ્યો ન હતો. દિવસ દરમિયાન 18 સર્જરીઓ કરવામાં આવી હતી. જ્યારે 2 દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં જ 13 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના એક પણ દર્દીની ઇન્ડોર સારવાર થઇ રહી નથી.

સોમવારે 1735 લોકોએ પહેલો ડોઝ લીધો
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં દિવાળી સુધીમાં 100 ટકા પહેલો ડોઝ નાગરિકોને આપી દેવા માટે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલા દબાણ વચ્ચે સોમવારે થયેલા રસીકરણમાં માત્ર 1735 લોકોએ પહેલો ડોઝ લીધો હતો. આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ રસીકરણનું 100 ટકા લક્ષ્ય પૂરું કરવું કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. હાલના તબક્કે આરોગ્ય વિભાગ તેમને આપેલા ટાર્ગેટને પૂરું કરવામાં બાકી રહેલા 1,36,409 લોકોને શોધવામાં વ્યસ્ત થયું છે. સોમવારે કુલ 4763લોકોએ રસી મુકાવી હતી.

કુલ રસીકરણ : 2314664 આજનું રસીકરણ : 4763 પ્રથમ ડોઝ 1373392 90.97% બીજો ડોઝ 941272 68.54%

ડેન્ગ્યૂના 49 અને ચિકનગુનિયાના માત્ર 9 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં સોમવારે ડેન્ગ્યૂના 49 અને ચિકનગુનિયાના માત્ર 9 કેસ જ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ તાવના 225 કેસ વિવિધ વિસ્તારમાં આવ્યાં હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં હવે બંનેના કેસો ઘટી રહ્યાં છે. બીજી તરફ તાંદળજા, અકોટા, પંચવટી, ગોત્રી અને સુભાનપુરામાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
ઓપી રોડ.

અન્ય સમાચારો પણ છે...