વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલ સંત કબીર સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓ ગુમ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. સંત કબીર સ્કૂલની સિદ્ઘિ શર્મા અને આધ્યા ચૌહાણ સ્કૂલેથી નિકળી અને ઘરે પરત ન ફરતા તેમના માતાપિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્કૂલની આજુબાજુના સીસીટીવી ચેક કરતા તે બંને રિક્ષામાં બેસી જતી જોવા મળી હતી. દરમિયાન બંને શહેરના દિવાળીપુરા ગાર્ડન પાસે સ્કૂલના જ પટાવાળાને મળી આવી હતી. આમ બાળકીઓ ગુમ થવાને કારણે હાઇડ્રામ સર્જાયો હતો. જો કે બંને મળી આવતા પરિવાર અને પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ચેઇન સ્નેચિંગના આઠ ગુનામાં સંડોવાયેલ શખ્સ ઝડપાયો
શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા પાંચ મહિનામાં ચેઇન સ્નેચિંગના આઠ ગુનામાં સંડોવાયેલા શખ્સને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. પોલીસે બાતમીના આધારે ડભોઇ રોડ પરથી તરુણકુમાર નટવરભાઇ સોલંકી (રહે. રતન હેવન, રતનપુર ગામ)ને અટકાવી તેની તપાસ કરી હતી. જેની પાસેથી સોનાની ત્રણ ચેઇન મળી આવી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચ લાવી તેની તપાસ કરતા તરુણે કબૂલાત કરી હતી કે છેલ્લા પાંચ મહિનામાં તેણે ભાયલી, માંજલપુર, ન્યૂ અલકાપુરી સહિત પાંચ વિસ્તારમાંથી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું. પોલીસે આ મામલે તેના બે સાગરીતોની શોધખોળ હાથધરી છે.
કમાટીબાગ પાસેથી બે વિદ્યાર્થીઓનો મોબાઇલ ઝૂંટવી ભાગતો શખ્સ પકડાયો
શહેરના કમાટીબાગ પાસે ધોરણ 10માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી ક્રિષ વાળંદ અને ધ્રુવ પટેલ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન રવિ દિનેશ મારવાડી (રહે. પીળા વુડાના મકાન, ખોડિયારનગર, ન્યૂ વીઆઇપી રોડ, વડોદરા) બંને છોકરાઓ પાસે આવ્યો હતો. અને તેમના ફોન ઝૂંટવીને ભાગ્યો હતો. જેથી બંને કિશોરોએ ચોર ચોરની બૂમો પાડતા પોલીસે આરોપી રવિ મારવાડીને ઝડપી લઇ સયાજીંગજ પોલીસને સોંપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.