ભાઈઓના શંકાસ્પદ મોત:હાલોલના આંબાવાડીયા ગામમાં ઊલટી થયા બાદ બે માસૂમ બાળકોના સારવાર મળે તે અગાઉ મોત

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સગા બે ભાઈઓ ચાર વર્ષનો શિવમ અને અઢી વર્ષના ચિંતનનું મોત નિપજ્યા - Divya Bhaskar
સગા બે ભાઈઓ ચાર વર્ષનો શિવમ અને અઢી વર્ષના ચિંતનનું મોત નિપજ્યા
  • પોલીસે માસૂમોના મૃતદેહોના મોતનું કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરવાવા તજવીજ હાથ ધરી

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડીયા ગામમાં બે માસૂમ બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે આ ઘટનામાં સગા બે ભાઈઓ ચાર વર્ષનો શિવમ અને અઢી વર્ષના ચિંતનનું મોત નિપજ્યા હતા.પાવાગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહોનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઊલટી થયા બાદ સારવાર માટે ખસેડાયાં
હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થયા બાદ તબિયત લથડતા હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.ઘટનાના પગલે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને મૃતક બાળકોના પરિવારે પેનલ પોસ્ટ મોર્ટમની માગ કરી હતી.

બાળકોના મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાળકોના મોતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પીએમ બાદ મોતનું કારણ સામે આવશે
પોલીસે બંને બાળકોના પેનલ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. બાળકોના મોતનું કારણ જાણવા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.પાવાગઢ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને હાલોલ પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોના મોતનું સાચું કારણ બહાર આવશે.

બધાંએ ખીચડી ખાધી હતી, બધા હેમખેમ છે, બાળકોને શું થયું તે રહસ્ય છે : દાદા
આંબાવાડીયામાં પરમાર પરિવારના બે માસૂમ બાળકોના રહસ્યમય મોતના પગલે પરિવાર અને ગામમાં ખામોશી છવાઈ ગઈ છે. મૃત બાળકોના દાદા શાંતિલાલે જણાવ્યું હતુ કે રાત્રે ઘરના તમામ સભ્યોએ ખીચડી ખાધી હતી અને બાળકોએ પણ ખીચડી ખાધી હતી. બધાએ એકજ ભોજન કર્યું તો પછી જમ્યા બાદ બાળકોને એવું તો શુ થયુ કે બન્ને બાળકોના મોત થઇ જતા મોતનું કારણ વધુ રહસ્ય બન્યું છે.

બીજા કોઈની પણ તબિયત બગડેલી નથી
પાવાગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આંબાવાડીયા ગામે શિવમ તેમજ ચિંતન નામના બાળકોના વહેલી સવારે મૃત્યુ થયા છે. તપાસ અર્થે એડી દાખલ કરી પેનલ પીએમ કરાવામાં આવ્યું છે. રાત્રે બંને બાળકો ખીચડી ખાઈને સુઈ ગયા હતા અને સવારે ઉલટી થઈ હતી. ત્યારબાદ હાલોલ રેફરલ ખાતે મરણ ગયેલ હાલ તપાસ ચાલુ છે. અને ગામમાં કે પરિવારમાં કોઈની તબિયત બગડેલ નથી. - જે.જાડેજા, PSI પાવાગઢ

પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આ‌વ્યું
પોલીસે બંને બાળકોના પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રે પેનલ પોસ્ટમોર્ટમ પુરુ થયુ હતું. ત્યારે પેનલે લીધેલા બાળકોના મૃતદેહના વિસેરા હવે એસએસજીમાં ફોરેન્સિક તપાસ માટે મોકલવાના હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યુ હતું. ઘટનાને લઈને હાલોલ પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે રિપોર્ટ બાદ જ બાળકોના મોતનું સાચું કારણ બહાર આવશે.