તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:વડોદરાના સમા અને વારસીયા વિસ્તારમાં બે મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના દાગીના સહિત 3.10 લાખના મુદ્દામાલની ચોરી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સતત વધી રહેલા ચોરીના બનાવોએ વડોદરા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યાં છે

વડોદરા શહેર પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડી રહેલા તસ્કરોએ સમા અને વારસીયા વિસ્તારમાં બે મકાનોના તાળાં તોડી 3.10 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદો નોંધાઇ છે. પોલીસે ફરિયાદોના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગયા અને ઘરમાં ચોરી થઇ
સમા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિરલભાઇ ધીરેનભાઇ ઠક્કર સમા-સાવલી રોડ ઉપર આવેલ બી-103, રોઝલેન્ડ રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે. તેઓની વેમાલી ગામમાં દુકાન આવેલી છે. 4 સપ્ટેમ્બરના રોજ પરિવાર સાથે અમદાવાદ ખાતે વાસ્તુ પૂજનમાં ગયા હતા અને રાત્રે અમદાવાદ ખાતે જ રોકાઇ ગયા હતા 5 સપ્ટેમ્બરના રોજ બપોરે તેઓના મકાનની સામે રહેતા હિતેષભાઇ ગોવાણીએ વિરલભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા મકાનના તાળાં તૂટેલા છે.

સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી
મકાનના તાળા તૂટેલાના સમાચાર સાંભળી વિરલભાઇ ઠક્કર તેમજ તેમનું પરિવાર તુરંત જ વડોદરા આવી ગયું હતું. અને ઘરે આવીને તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરમાં જઇ તપાસ કરતા કબાટમાં મૂકેલા રૂપિયા 60,000 રોકડા, પોણા તોલાની સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, સોનાનો સેટ, સોનાની બુટ્ટી 3 જોડ, અડધા તોલાની સોનાની વિંટી, એક તોલાનું સોનાનું મંગળ સુત્ર, સોનાનું બ્રેસલેટ, સોનાની ગીની, સોનાનું બિસ્કીટ, ચાંદીના ગ્લાસ તેમજ ચાંદીના સિક્કા જણાઇ આવ્યા ન હતા.

1.90 લાખનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર
દરમિયાન વિરલભાઇ ઠક્કરે આ બનાવની જાણ સમા પોલીસને કરતા તુરંત જ પોલીસ દોડી આવી હતી અને વિરલભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે 1.90 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

વેપારી દૂધ કેન્દ્ર પર અને ઘરમાં તસ્કરો ઘૂસ્યા
વારસીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વારસીયા રિંગ રોડ ઉપર આવેલી બી-75, આવિષ્કાર સોસાયટીમાં શૈલેષભાઇ રતનલાલ જૈન પરિવાર સાથે રહે છે. તેઓ દૂધ કેન્દ્ર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 4 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે શૈલેષભાઇ ધવલ ચાર રસ્તા પાસે દૂધના કેન્દ્ર ઉપર ગયા હતા. દરમિયાન તેમના પત્ની મધુબહેને ફોન કરી જણાવ્યું કે, બેડરૂમમાં તિજોરીના તાળાં તૂટેલા છે. અને તેમાંથી સામાનની ચોરી થઇ હોય તેવું લાગે છે.

1.20 લાખના મુદ્દમાલની ચોરી
પત્નીએ ફોન કરતા જ શૈલેષભાઇ ઠક્કર દૂધના કેન્દ્ર ઉપરથી ઘરે આવી પહોંચ્યા હતા અને તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા 8000 તેમજ બે તોલાની સોનાની લકી, એક તોલાનું મંગળ સુત્ર, 8 નંગ સોનાની વીંટી, ચાંદીના છડા, ચાંદીના પાયલ, ચાંદીના સિક્કા વિગેરે જણાઇ આવ્યું ન હતું. આથી તેઓએ વારસીયા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને શૈલેષભાઇ ઠક્કરની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે રૂપિયા 1.20 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવે આવિષ્કાર સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...