આધાર કાર્ડ અને ફિંગર પ્રિન્ટની કોપી બનાવી લોકોની જાણ બહાર રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરતા બે ભેજાબાજોની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ભેજાબાજો પાસેથી વિવિધ કંપનીઓના મોબાઈલ, ફિંગર પ્રિન્ટ ડિવાઇસ, સીમકાર્ડ, લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી ચોંકી ઉઠ્યો
સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વડોદરાની એક વ્યક્તિએ પોતાનું જે બેંકમાં એકાઉન્ટ છે. તે બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવતા તેઓના બેન્ક ખાતામાંથી અલગ અલગ તરીખોમાં 10,000 ના કુલ 10 ટ્રાન્જેક્શન પેટે 1 લાખ રૂપિયા જાણ બહાર ઉપડી ગયા હતા. જેના ઓટીપી અને અન્ય કોઈ ટ્રાન્જેક્શન મેસેજ તેઓને મળ્યો ન હતો. આ બાબતે બેંકમાં તપાસ કરતા બેંકના કર્મચારીઓએ જણાવ્યું કે આ તમામ રૂપિયા તમારા આધાર કાર્ડ અને ફિંગર પ્રિન્ટથી ઉપડેલ છે. બેંક કર્મચારીએ આ માહિતી આપતા ચોંકી ઉઠ્યા હતા.
આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ અને ફાઇનાન્સિયલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓને આ ઓન લાઇન છેતરપિંડીમાં બે ઈસમો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન સાયબર ક્રાઇમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ સંજીવકુમાર બાબુભાઈ બારીયા (ઉ.વર્ષ. 22, ધંધો-અભ્યાસ,મૂળ. દેવગઢ બારીયા દાહોદ). અને સતીશ કાંતિભાઈ ભાભોર ( ઉં. વર્ષ 23, રહે.જેસાવાડા ,ગરબાડા ,દાહોદ) ની ધરપકડ કરી હતી. બંને પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી જુદા જુદા કંપનીના મોબાઈલ ફોન નંગ 13, ફિંગર પ્રિન્ટ ડીવાઈઝ નંગ 2, ફાઈલ તેમજ ડીબીટી એન્ટ્રી માહિતી પત્રક ભરેલા ફોર્મ ના મોટા બંચ ,જુદી જુદી કંપનીના મોબાઈલ સીમકાર્ડ કુલ નંગ 186, રાઉટર નંગ 01, આધાર કાર્ડ નંગ 02 ,પાનકાર્ડ નંગ 03 અને લેપટોપ નંગ 02 સહિત અન્ય મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.