વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને ખેતરમાં ગેરકાયદેસર બાંધકામ કરી મુખ્ય દરવાજા પર પોતાનું તાળું મારી પોતાની માલિકીનું સાઇનબોર્ડ લગાવી જમીન પચાવી પાડનાર સામે મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી તરફ સુલેમાની ચાલી તૂટી જતા બેઘર બનેલા પરિવાર પર દયા દાખવી દુકાન માલિકે બે દુકાનો રહેવા તથા ધંધો કરવા માટે ભાડે આપી હતી. જોકે, ભાડુઆતે અઢી વર્ષનું ભાડું નહીં ચૂકવીને દુકાન ખાલી નહીં કરી ધમકી આપવા મામલે પાણીગેટ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
જમીન પર પોતાની માલિકીનો કબજો હોવાનું બોર્ડ લગાવ્યું
વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ કિરીટભાઈ મણીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તરસાલી ગામ ખાતે અલગ-અલગ સર્વે નંબર વાળી વડીલોપાર્જીત જમીન આવેલી છે. સર્વે નં-38 પૈકી 1 વાળી જમીન મોટાબાપા છીતાભાઈ પટેલના પૌત્ર જીતેન્દ્ર ગોરધનભાઇ પટેલે પોતાની માલિકીની હોવાનું દર્શાવતો દાવ કોર્ટમાં દાખલ કર્યો હતો. જે દાવા સામે ફરિયાદીએ કાઉન્ટર ક્લેમ દાખલ કરવા નામદાર કોર્ટે મંજૂરી આપી હતી. વર્ષ-2013 દરમિયાન જીતેન્દ્ર પટેલ વિવાદિત જમીનની ફરતે ફેન્સીંગના તાર તોડી જમીનમાં પાકું બાંધકામ શરૂ કર્યું હતું અને જમીન ઉપર પોતાની માલિકીનો કબજો હોવાનું જાહેર નોટીસ દર્શાવતું બોર્ડ લગાવ્યુ હતું .
જમીન પર અનધિકૃત કબજો જમાવી મિલકત પચાવી પાડી
આ વિવાદનો કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે જીતેન્દ્ર પટેલનો દાવો રદ કરી પ્રતિવાદીના પક્ષમાં હુકમ કર્યો હતો. આમ કોર્ટનો હુકમ હોવા છતાં ફરિયાદની માલિકીની જમીનમાં જીતેન્દ્ર પટેલે ખેતરના દરવાજા ઉપર પોતાનું તાળું મારી જમીન ઉપર અનધિકૃત કબજો જમાવી મિલકત પચાવી પાડી હતી. જે અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બેઘર બનેલા પરિવારને આશરો આપવો ભારે પડ્યો
દયા ડાકણને ખાય તે કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ ખાતે રહેતા 53 વર્ષીય મયુરીબેન દિનેશભાઈ પંડિત વાઘોડિયા રોડ પર આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડની સામે પુષ્ટિ સ્મૃતિ રેસિડેન્સી કમ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ અને ચાર નંબરની દુકાનો ધરાવે છે. અગાઉ સ્મૃતિ રેસિડેન્સી કમ પ્લાઝાનું બાંધકામ બાદ દુકાનોનું વેચાણ ન થતાં ભાગીદારોએ સરખે ભાગે દુકાનો વહેંચી લેતા તેમના પતિના ભાગે ઉપરોક્ત બે દુકાનો છે. જે દુકાનો સાજીદભાઈ લતીફભાઈ શેખ (રહે, સુલેમાની ચાલી, વડોદરા)ને ફેબ્રિકેશનનો ધંધો કરવા માટે 11 મહિનાનો ભાડા કરાર કરી મહિને 8500 રૂપિયાથી ભાડે આપી હતી.
છેલ્લા અઢી વર્ષથી ભાડું પણ ચૂકવ્યું નથી
સુલેમાની ચાલી તૂટી જતા બેઘર બનેલા સાજીદભાઇ પર દયા દાખવી દુકાન માલિકે તેમના પરિવારને રહેવા માટે તથા ધંધો કરવા માટે ભાડાની મુદત વધારી હતી. ત્યારબાદ હવે દુકાન ખાલી કરવાનો ઇનકાર કરી સાજીદભાઇ પરિવાર સાથે રહે છે. છેલ્લા અઢી વર્ષથી ભાડું પણ ચૂકવ્યું નથી અને તમારી દુકાન ખાલી નહીં થાય તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી હતી. વર્ષ-2019 દરમિયાન પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, તે બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. આ અંગે નાયબ કલેક્ટરને રજૂઆત કરતાં તેના આધારે પોલીસ કમિશનરે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા લીલી ઝંડી આપી હતી.
આ પહેલા બે ફરિયાદ નોંધાઇ હતી
આ પહેલા વડોદરા તાલુકાના દુમાડ અને ડભોઇ તાલુકાના ગોજાલી ગામની જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગના એક્ટ હેઠળ વડોદરા જિલ્લા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.