દુર્ઘટના:સાવલી નજીક મહીસાગર નદીમાં બરોડા મેડિકલ કોલેજના બે સ્ટુડન્ટનાં ડૂબી જવાથી મોત, પિક્નિકનો ઉત્સાહ માતમમાં ફેરવાયો

વડોદરા3 મહિનો પહેલા
નદીમાં ડૂબતા ત્રણ વિદ્યાર્થી પૈકી એકને બચાવી લેવાયો હતો, જ્યારે એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં.
  • 12 સ્ટુડન્ટનું ગ્રુપ સાવલીના લાછનપુરના પ્રવાસે ગયું હતું

સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીને કિનારે બરોડા મેડિકલ કોલેજના​​​​​​ સ્ટુડન્ટનું એક ગ્રુપ​ પિક્નિક મનાવવા માટે ગયું હતું. આ ગ્રુપની એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે બરોડા મેડિકલ કોલેજના 12 તબીબી સ્ટુડન્ટસનું ગ્રુપ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીના કિનારે પિક્નિક મનાવવા માટે ગયું હતું, પરંતુ બે તબીબી વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત નીપજતાં તેમનો પિક્નિકનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.

ઊંડા પાણીમાં ગરક થતાં બન્ને વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં.
ઊંડા પાણીમાં ગરક થતાં બન્ને વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં.

ત્રણ વિદ્યાર્થી ડૂબ્યા હતા
મળેલી માહિતી પ્રમાણે, વડોદરામાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 12 સ્ટુડન્ટોનું ગ્રુપ વહેલી સવારે સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે ઉત્સાહ સાથે પિક્નિક મનાવવા માટે ગયું હતું. નદી કિનારે પહોંચેલા ગ્રુપ પૈકી સિદ્ધિ નિમેશભાઇ શાહ (ઉં.20)રહે.જીતાન રોડ, તા.વઢવાણ, જિ.સુરેન્દ્રનગર, અમોઘ ગોયલ (ઉં.વ.20)રાધેક્રિષ્ના સોસાયટી, પાર્લેપોઈન્ટ સુરત) સહિત કેટલાક સ્ટુડન્ટો નદીમાં નાહવા ગયાં હતાં, જેમાં સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલ સહિત ત્રણ સ્ટુડન્ટ મહી નદીના ઊંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયાં હતાં, જેમાંથી બે વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતાં.

વિદ્યાર્થીઓએ ડૂબતા વિદ્યાર્થીઓને બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા.
વિદ્યાર્થીઓએ ડૂબતા વિદ્યાર્થીઓને બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા.

બૂમો સંભળાતાં સ્થાનિકો દોડી ગયા
મહી નદીના વહેતા પાણીમાં તણાઇ રહેલા સ્ટુડન્ટોએ બચાવો...બચાવો..ની બુમરાણ મચાવતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતાં, જેમણે એક સ્ટુડન્ટને બચાવી લીધો હતો, જ્યારે સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતા થઇ ગયાં હતાં. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યાં હતાં. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. જોકે, ડૂબી ગયેલાં બંને સ્ટુડન્ટ સયાજી હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં તેમનું રસ્તામાં મોત નીપજ્યું હતું. મોતને ભેટેલી સિદ્ધિ શાહ અને અમોઘ શાહ ન્યૂ મેડિકલ હોસ્ટેલમાં રહેતાં હતાં અને એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.

સાથી વિદ્યાર્થીઓને ગૂમાવતાં અન્ય સ્ટુડન્ટસ શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં.
સાથી વિદ્યાર્થીઓને ગૂમાવતાં અન્ય સ્ટુડન્ટસ શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં.

વિદ્યાર્થીઓ બચાવી ન શક્યા
નદીમાં ડૂબી ગયેલા સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા બાદ સાથી તબીબી સ્ટુડન્ટોએ પ્રાથમિક ઉપચાર કરી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બચાવી શક્યા ન હતા. સિદ્ધઇ શાહ અને અમોઘ ગોયલનું મોત નીપજતાં સાથી સ્ટુડન્ટો સહિત બરોડા મેડિકલ કોલેજમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલના સાથી સ્ટુડન્ટો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.

વિદ્યાર્થીઓ સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
વિદ્યાર્થીઓ સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
જાણ થતાં સાવલી પોલીસ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. એ સાથે પોલીસે મૃતક સ્ટુડન્ટનાં પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં હતાં. ત્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો છવાઈ ગયો હતો. સાવલી પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અવારનવાર સર્જાતી દુર્ઘટનાને પગલે નદીમાં નાહવાની મનાઈ કરવામાં આવી છે.
અવારનવાર સર્જાતી દુર્ઘટનાને પગલે નદીમાં નાહવાની મનાઈ કરવામાં આવી છે.

નાહવાની મનાઈનાં બોર્ડ લાગ્યાં છે
ઉલ્લેખનીય છે કે લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદીકિનારે ઊંડા પાણીમાં ન જવા માટેની સૂચના આપતાં બોર્ડ પણ લગાવાયાં છે. આમ છતાં પિક્નિક મનાવવા જતા લોકો નદીના ઊંડા પાણીમાં નાહવા માટે ઊતરે છે અને મોતને ભેટતા હોય છે. તાજેતરમાં સાવલી પોલીસ મથકના અધિકારીએ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ અંગે કડક કાર્યવાહી કરવા માટે સાવલી મામલતદારને પત્ર લખી જાણ કરી હતી, પરંતુ સાવલી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.