કપલ બોક્સનો પર્દાફાશ:વડોદરાની ધ લંચ બોક્સ રેસ્ટોરાંમાં કપલ બોક્સ ચલાવતા બેની ધરપકડ, પોલીસે 7 કપલને ઠપકો આપીને જવા દીધા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ચેતન હડીયા અને સાગર રાવલીયા - Divya Bhaskar
આરોપી ચેતન હડીયા અને સાગર રાવલીયા
  • ફતેગંજમાંથી પકડાયેલા કપલ બોક્સમાં 1 કલાક બેસવાનો 250 રૂપિયા ચાર્જ લેવાતો હતો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી રેસ્ટોરાંમાં કપલ બોક્સ બનાવી 250 રૂપિયામાં કપલ્સને એક કલાક એકાંત પૂરું પાડતી રેસ્ટોરાંમાં પોલીસે દરોડો પાડીને રેસ્ટોરાંનું સંચાલન કરી રહેલા બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડો પાડતા જ રેસ્ટોરાંના સંચાલકો અને એકાંતની પળો માનવા માટે આવેલા કપલ્સને ACમાં પરસેવો છૂટી ગયો હતો. રેસ્ટોરાંની આડમાં ગેરકાયદે કપલ બોક્સ બનાવી કપલ્સને એકાંત પૂરું પાડવાના વધી ગયેલો ટ્રેન્ડ આવનારા સમયમાં મોટી સમસ્યા ઉભી કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

પોલીસે બાતમીને આધારે રેડ પાડી
ફતેગંજ વિસ્તારમાં ધ લંચ બોક્સ નામની રેસ્ટોરન્ટ (બોક્સ કાફે) આવેલી છે. આ રેસ્ટોરાંના સંચાલકો દ્વારા રેસ્ટોરાંમાં અલગથી કપલ બોક્ષ બનાવવામાં આવ્યું હતું. જે કપલ બોક્સમાં કપલ્સ આવીને એકાંતમાં કલાકો સમય પસાર કરતા હતા. ફતેગંજમાં રેસ્ટોરાંમાં કપલ બોક્સ બનાવવામાં આવ્યું છે અને કપલ્સ એકાંતમાં કલાકો પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તેવી માહિતી સયાજીગંજ પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિપકકુમારને મળી હતી. જે માહિતીના આધારે તેઓએ પી.આઇ. આર.જી. જાડેજાની સૂચના અનુસાર મહિલા પી.એસ.આઇ. ડી.કે. વાઘેલા તેમજ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઇ, પોલીસ કોન્સ્ટેબલ, જગદીશભાઇ સહિતના સ્ટાફની મદદ લઇને રેસ્ટોરાંમાં દરોડો પાડ્યો હતો.

કપલ બોક્સમાંથી 7 કપલ મળી આવ્યા
સયાજીગંજ પોલીસે ધ લંચ બોક્સ રેસ્ટોરાંમાં દરોડો પાડતાની સાથે જ AC રેસ્ટોરાંના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા બે યુવાનને પરસેવો છૂટી ગયો હતો. તે સાથે કપલ બોક્સમાં બેઠેલા કપલ્સને પણ પરસેવો છૂટી ગયો હતો. જાણવા મળ્યા મુજબ કપલ બોક્સમાંથી 7 કપલ મળી આવ્યા હતા. જોકે, પોલીસે તેમને ઠપકો આપી રવાના કરી દીધા હતા. પરંતુ, રેસ્ટોરાંનું સંચાલન કરતા ચેતન પાછાભાઇ હડીયા (રહે. 203, વેલેન્સીયા ટાવર, ગોત્રી. મૂળ રહે. રાતોલ ગામ, ભાવનગર) અને સાગર પોલાભાઇ રાવલીયા (રહે. ડિલક્ષ કોલોની-2, 16-એ, ડિલક્ષ ચાર રસ્તા, નિઝામપુરા, વડોદરા. મૂળ રહે. દોલતપુરા ગામ, જુનાગઢ)ની પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

1 કલાક બેસવાનો ચાર્જ 250 રૂપિયા વસૂલ કરતા હતા
સયાજીગંજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ફતેગંજ ખાતે આવેલી ધ લંચ બોક્સ રેસ્ટોરાં (બોક્સ કાફે)માંથી કપલ્સને એકાંત પૂરું પાડવા માટે કપલ બોક્સ બનાવવામાં આવ્યું હતું. આ કપલ બોક્સમાં આવતા કપલ્સ પાસે એક કલાક બેસવાનો ચાર્જ 250 રૂપિયા વસૂલ કરવામાં આવતો હતો. અને ચા, કોફી, નાસ્તો તેમજ અન્ય જે કંઇ ચિજવસ્તુઓ મંગાવવામાં આવતી હતી. તે માટે અલગ ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.

તપાસ થાય તો અનેક કપલ બોક્સ મળી શકે
કપલ બોક્સમાં બેઠેલા મોટા ભાગના કપલ્સ સ્કૂલ-કોલેજીયન હતા. નોંધનીય છે કે, વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવા કપલ બોક્સ ચાલતા હશે. જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક રેસ્ટોરાં અને હોટલ્સમાંથી કપલ બોક્સ મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...