વડોદરા:4 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન, જર્જરીત મકાન ધરાશાયી

વડોદરાએક વર્ષ પહેલા
  • ભારે વરસાદને પગલે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની આવક
  • છેલ્લા 28 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા

વડોદરામાં છેલ્લા ચોવિસ કલાકમાં એક ઇંચ અને સવારે ચાર કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળમગ્ન થઇ ગયું છે. વહેલી સવારથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સુલતાનપુરામાં વર્ષો જુનું જર્જરીત મકાન ધરાશાયી થઇ ગયું હતું. ભારે વરસાદને પગલે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની આવક થઇ હતી.

સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓના રસ્તાઓ ઉપર પાણી ભરાયા
સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે સવારે 6 થી 10 દરમિયાન વડોદરામાં 65 મિમિ વરસાદ વરસ્યો હતો. અને છેલ્લા ચોવિસ કલાકમાં 26 મિમિ વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા 28 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા હતા. સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓના રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જતાં લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. ઝૂંપડાવાસીઓની હાલત દયનીય બની ગઇ હતી. આ સાથે ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.

સયાજીગંજ અને અલકાપુરી વચ્ચેનો સંપર્ક કપાયો
સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઇ જતાં સયાજીગંજ અને અલકાપુરી વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો. અલકાપુરી તરફ જનાર લોકોને ભીમનાથ બ્રિજ, પંડ્યા બ્રિજ અને દાંડીયાબજાર બ્રિજ ઉપરથી જવાની ફરજ પડી હતી. શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીના પગલે વહેલી સવારે કામધંધાર્થે નીકળેલા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ થઇ જતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. સાડા ત્રણ ઇંચ જેટલા વરસાદમાં સમગ્ર શહેર જળમગ્ન થઇ જતાં શહેરીજનોએ પાલિકાના વહીવટ સામે રોષ ઠાલવ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના માર્ગોનું પણ ભારે ધોવાણ થઇ જતાં લોકોને વાહન લઇને નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.

વરસાદને પગલે ધંધા-રોજગાર ઉપર અસર
શહેરમાં વહેલી સવારથી સતત વરસી રહેલા એકધારા વરસાદને પગલે ધંધા-રોજગાર ઉપર અસર જોવા મળી હતી. શહેરના બજારો મોડી સવાર સુધી ખૂલ્યા ન હતા. ઓટો રીક્ષા સહિત છૂટક મજૂરી કામ કરીને દિવસ પસાર કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. કોરોનાની દહેશત અને સતત વરસી રહેલા વરસાદને પગલે બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. જ્યારે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.

સતત વરસાદને કારણે બજારો પણ ન ખૂલ્યા
વડોદરાની સાથે છેલ્લા ચોવિસ કલાકમાં કરજણ તાલુકામાં 55 મિ.મી., ડભોઇ-30 મિ.મી., સાવલી- 15 મિ.મી., પાદરા-48 મિ.મી., વાઘોડિયા-15 મિ.મી., ડેસર-30 મિ.મી., અને શિનોર તાલુકામાં 23 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના કરજણ અને પાદરા તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે તાલુકામાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. તાલુકા મથકના માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા હતા. સતત વરસાદને કારણે બજારો પણ ખૂલી શક્યા ન હતા.

આજવા સરોવરની સપાટી 212.35 ફૂટ
વડોદરા શહેર સહિત આજવા સરોવરના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટી 212.35 ફૂટ અને વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 7.75 ફૂટ થઇ હતી. જ્યારે પ્રતાપ સરોવરની સપાટી 227.35 ફૂટ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...