વડોદરા શહેરમાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કરને આજથી રસીનો બૂસ્ટર ડોઝ મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અમલદાર દેવેશ પટેલ દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં અંદાજે 45 હજાર જેટલા લોકોને 9 મહિના પૂરા થયા હોવાનું જણાય છે. જેથી તેઓને આજથી રસી મૂકવામાં આવી રહી છે. જ્યારે સીડીએચઓ જૈન દ્વારા જણાવ્યા મુજબ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં 30 હજાર લોકોને બુસ્ટર ડોઝ મૂકાશે.
કિશોરોનું રસીકરણ પૂર્ણ થવામાં વિલંબ થશે
વડોદરા શહેરમાં કિશોરાના ચાલી રહેલા રસીકરણમાં રવિવારે સવારે માત્ર 418 બાળકોને રસી મૂકવામાં આવી હતી, જ્યારે સાંજે 4 થી 7 કલાક દરમિયાન જે સ્કૂલોમાં બાળકો આવવા તૈયાર હોય ત્યાં રસીકરણ યોજવા આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી હતી. હજુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મેગા કેમ્પનું આયોજન થયું નથી તેમજ ઘેર ઘેર જઈને બાળકોને રસીકરણ કરવામાં આવતું નથી, જેથી 100 ટકા લક્ષ્ય હાંસલ કરવામાં ઘણો સમય લાગશે તેમ જણાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અર્બન હેલ્થ સેન્ટરને 1 હજાર જેટલા ડોઝ ફાળવ્યા છે. કોવેક્સિન અને કોવિશિલ્ડના બંને ડોઝ પૂરતા પ્રમાણમાં હોવાથી બુસ્ટર ડોઝની કામગીરી ઝડપથી થવાની શક્યતા છે.
વડોદરા ગ્રામ્યમાં 140 કેન્દ્રો ખાતે બુસ્ટર ડોઝ આપવાની વ્યવસ્થા
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જરૂરી તાલીમ અને વ્યવસ્થાઓ સાથે કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે કોવીન પોર્ટલમાં ઉપલબ્ધ જાણકારી અનુસાર જિલ્લામાં ઉપરોક્ત ત્રણ શ્રેણીઓના કુલ 30726 લોકોને આ ત્રીજો રક્ષણાત્મક ડોઝ આપવાનો થાય છે. હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને તબીબી સલાહને આધારે જેઓ હૃદય રોગ, કિડનીનો રોગ સહિત ચોક્કસ કો મોર્બિડીટી ધરાવે છે અને બીજી રસી લીધાની તારીખથી 9 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને આ ડોઝ આપવામાં આવશે.
કોને કઇ રસી અપાશે?
જેમણે પહેલા બે ડોઝમાં કોવેક્સિન લીધી છે તેમને કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી છે તેમને કોવીશિલ્ડ ત્રીજા ડોઝ તરીકે આપવામાં આવશે. શ્રેણીવાર જોઈએ તો જિલ્લામાં 60 + માં 11913 લોકો બુસ્ટર ડોઝને પાત્ર છે જે પૈકી 7 લોકો કોવેક્સિન અને 11906 કોવિશિલ્ડ લેવાને પાત્ર છે. જ્યારે 9187 ફ્રન્ટ લાઇન વર્કર પૈકી 5291 કોવેક્સિન અને 3896 કોવિશિલ્ડ ને પાત્ર છે. 9626 હેલ્થ કેર વર્કર પૈકી 228 કોવેક્સિન અને 9138 કોવિશિલ્ડ લેવાને પાત્ર છે.
5526ને કોવેક્સિન અને 25500ને કોવિશિલ્ડ રસી મૂકાશે
આમ,કુલ ત્રીજા ડોઝને યોગ્ય લોકો પૈકી 5526ને કોવેક્સિન અને 25500ને કોવિશિલ્ડ રસી મૂકવામાં આવશે. તેના માટે કોઈ નવી નોંધણી કરાવવાની જરૂર નથી. 60+ વડીલોએ રસીકરણ કેન્દ્ર ખાતે પોતાની કો મોર્બિડિટીની સાચી જાણકારી આપવાની છે. તેઓ સાથે પોતાનું આધારકાર્ડ લઈ જાય તે યોગ્ય રહેશે. સરકારી દવાખાનાઓ ખાતે રસી આપવાની કામગીરી થશે. તેના માટે સરકારી દવાખાનાઓમાં 140 રસીકરણ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને જરૂર પડે કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.