અકસ્માત:રતનપુર પાસે સળિયા-કપચી ભરેલી ટ્રકો અથડાઇ, ફસાયેલો ડ્રાઈવર 1 કલાકે કઢાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ હાઇવે પર રતનપુર પાસે અકસ્માત થતાં ફસાયેલા માણસોને બહાર કઢાયા. - Divya Bhaskar
ડભોઇ હાઇવે પર રતનપુર પાસે અકસ્માત થતાં ફસાયેલા માણસોને બહાર કઢાયા.
  • સળિયા ભરેલી ટ્રકના કેબિનમાં ડ્રાઇવર ફસાતા ફાયર બ્રિગેડ પહોંચ્યું
  • ​​​​​​​અકસ્માતની ઘટનાને પગલે રતનપુર નજીક 2 કિ.મી ટ્રાફિક જામ થયો

શહેર નજીક ડભોઈ રોડ પર આવેલા રતનપુર નજીક સાંજે સળિયા અને કપચી ભરેલા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સળિયા ભરેલા ટ્રકના કેબિનમાં ડ્રાઇવર ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ તેને સહી સલામત બહાર કાઢ્યો હતો. અકસ્માતના પગલે ડભોઇ રોડ પર એક કલાક સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડ અનુસાર ડભોઇ તરફથી એક ટકમાં સળિયા ભરી ડ્રાઇવર વડોદરા આવી રહ્યો હતો. આ સમયે રતનપુર નજીક કપચી ભરેલું ડમ્પર યુ ટર્ન લેતા સળિયા ભરેલો ટ્રક તેમાં ભટકાયો હતો. અકસ્માતના કારણે સળિયા કેબિન તોડી બહાર આવી ગયા હતા. જેના કારણે ટ્રકના કેબિનમાં ડ્રાઇવર અને ક્લીનર ફસાઈ ગયા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ લોકોએ ટ્રકમાં ફસાયેલા ક્લીનરને બહાર કાઢ્યો હતો.

ફાયર બ્રિગેડના અધિકારી અમિત ચૌધરી અને તેમની ટીમે સ્થળ પર જઈ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રાઇવર કેબિનમાં ક્લચ અને એક્સેલેટરની જગ્યામાં ફસાયો હતો અને તેના પર સળિયાનું વજન હોવાથી ફાયરબ્રિગેડની ટીમે કટર મશીનથી કેબિન કાપી ડ્રાઈવરને કાઢવાનું શરૂ કર્યું હતું.

અંદાજીત એક કલાક બાદ ફાયરબ્રિગેડની ટીમે ડ્રાઈવરને સહીસલામત બહાર કાઢી તેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલ્યો હતો. ઘટનાના પગલે ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતના કારણે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો. પોલીસે કલાકો બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...