વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે ઉપર જાંબુઆ બ્રિજ પર કાળજું કંપાવે તેવો અકસ્માત સર્જાયો હતો. મોટર સાઇકલ ઉપર પસાર થઇ રહેલા બે યુવાન ઉપર ટ્રકના ટાયર ફરી વળતા સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવમાં એક યુવાન ઉપર એક કરતાં વધુ વાહનના પૈડાં ફરી વળતા મૃતદેહના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. મૃતદેહના માસના લોચા દસ ફૂટ વિસ્તારમાં પથરાઈ ગયા હતા.
બંને યુવકની ઓળખ કરવી મુશ્કેલ બની
મળેલી માહિતી મુજબ નેશનલ હાઇવે ઉપર જાંબુઆ બ્રિજ તરફથી સીટી તરફ બાઇક લઇ આવતા બે યુવાનોને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને યુવાનો ઉપર ભારદારી વાહનનું ટાયર ફરી વળતા બંને યુવકોની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી. જોકે પોલીસે બાઇકના નંબરના આધારે મૃતકોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
બંને બાઈકસવારો પર ભારે વાહનના પૈડાં ફરી વળ્યા
પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આજે સાંજે વડોદરા પાસે જાંબુઆ બ્રિજ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનો પર ભારદારી વાહન(ટ્રક)ના ટાયર ફરી વળ્યા હતા. જેને કારણે એક બાઇક સવારનું પેટના આંતરડા બહાર આવી ગયા હતા. યુવાનના શરીરના માસના લોચેલોચા રસ્તા પર ફેલાઇ ગયા હતા.
વાહનવ્યવહાર ખોરવાયો
આ કમકમાટીભર્યા બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થળ ઉપર દોડી ગઇ હતી. તે સાથે આસપાસના લોકો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. આ અકસ્માતના દ્રશ્યો જોઇ સ્થળ ઉપર પહોચેલી પોલીસ તેમજ લોકોના રૂવાડાં ઉભા થઇ ગયા હતા. એક તબક્કે માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. હાલ પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારે જહેમત ઉઠાવી માસના લોચા સાથેના મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે સાથે પોલીસે મોટર સાઇકલના નંબરના આધારે મૃતકોની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.