વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં માથાભારે શખસે મહિલાના ઘરે પહોંચીને પાસામાં હતો, ત્યારે જાણ કર્યા વગર ઘરનું રિનોવેશન તથા નવી ગાડી કેમ વસાવી. તેમ જણાવીને અઢી લાખની માગ કરી હતી. આ ઉપરાંત મહિલા અને તેના પુત્રને જોઈ લેવાની ધમકી આપનાર ત્રણ હુમલાખોર વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા અને તેના દિકરાને ધમકી આપી
વડોદરા શહેરના નાગરવાડા નવીધરતી ગોલવાડ નાકા પાસે રહેતી મહિલા ફરીદાબેન શાહીલિયાએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે સાંજના સમયે બાબર પઠાણ(રહે, નાગરવાડા, નવી ધરતી, ગોલવાડ નાકા પાસે, વડોદરા ) ધસી આવ્યો હતો અને મોટા અવાજે મને પૂછ્યા વગર ઘરનું રિનોવેશન કેમ કરાવ્યું? નવી ગાડી કેમ લીધી? મને પોલીસ સ્ટેશનમાં ઘણો ખર્ચો થઈ ગયો છે, જેથી તાત્કાલિક અઢી લાખ રૂપિયા આપી દો, નહીં તો તને અને તારા દીકરાઓ માટે સારું નહીં થાય તેવી ધમકી આપી હતી.
ત્રણેય શખસો મહિલાને અવારનવાર હેરાન કરતા
આ દરમિયાન ઝપાઝપી થતાં બાબર પઠાણ તેનો ભાઈ મહેબુબ પઠાણ તથા તેનો મિત્ર રોશન અચાનક ધસી આવ્યા હતા અને પાઇપ વડે તથા પથ્થરો મારીને હુમલો કર્યો હતો. જેમાં ફરીદાબેનને પગમાં ઇજા પહોંચી હતી. અગાઉ પણ ત્રણેય શખસો મહિલાને અવારનવાર હેરાન કરતા હતા, પરંતુ, ડરના કારણે ફરિયાદ આપી ન હતી.
બે હુમલાખોરો તાજેતરમાં પાસામાંથી બહાર આવ્યા હતા
હુમલાખોર ત્રિપુટી પૈકી બે હુમલાખોરો તાજેતરમાં પાસામાંથી બહાર આવ્યા હતા. કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે માથાભારે હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.