પોકેટ કોપ મોબાઇલ એપની મદદથી આણંદમાં લૂંટ ચલાવનાર તેમજ વડોદરામાં બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલી ત્રિપુટીને વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ તાજેતરમા એક કાર ચાલકની આંખમાં મરચાંની ભૂકી નાંખી તેનો મોબાઇલ તથા કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી.
ટોળકી પાદરા તરફ જતી વખતે ઝડપાઈ
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ કરજણ ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ તેમજ હર્ષદભાઇને માહિતી મળી હતી કે, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર એક કારમાં મુસાફર તરીકે બેસી કાર ચાલકની આંખમાં મરચાંની ભૂકી નાંખીને તેનો મોબાઇલ ફોન તેમજ તેની કાર લૂંટી કાર ચાલકને વડોદરા નજીક ઉતારી સુરત ફરાર થઈ ગયેલી લૂંટારુ ત્રિપુટી કરજણથી પાદરા તરફ જવાની છે.
લૂંટ કરી હોવાની કબૂલાત
આ માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમ પીંગલવાડા જવાના રસ્તા ઉપર ગોઠવાઈ ગઈ હતી અને પસાર થતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેમાં સવાર ત્રણને કારમાંથી ઉતારી પૂછપરછ કરી હતી. ત્રિપુટી લૂંટારુઓએ ગોળગોળ જવાબો આપતા પોલીસને તેમના ઉપર શંકા મજબૂત બની હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા ત્રિપુટીએ તા. 11-12 માર્ચના રોજ એક્સપ્રેસ હાઇવે ઉપર કાર ચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી તેનો મોબાઇલ ફોન અને કારની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી.
આણંદમાં લૂંટની ફરિયાદ નોંધાઇ
દરમિયાન પોલીસે લૂંટારુ ત્રિપુટી રાહુલ ઉર્ફ કિશુ પ્રભાત વસાવા (રહે. કારવણ ઇન્દિરા કોલોની, ડભોઇ. મૂળ રહે. કુંભેશ્વર ગામ, રાજપીપળા), ચિરાગ મહેશભાઇ પટેલ (રહે. ભાયલાકૂઇ પટેલ ફળીયું, ખેડા) અને માહીર ઝફરમીયાં મલેક (રહે. મોહંમદઅલી ચોક, મોટા મલેકવાડા, કપડવંજ)ની ધરપકડ કરી હતી. પોલીસે આ ત્રિપુટી અંગે વધુ તપાસ કરતા તેઓ સામે આણંદ પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાઇ હતી.
એક કાર સહિત બે વાહનની ચોરી
આ ઉપરાંત પોલીસે લૂંટારુ ત્રિપુટી સામે વધુ તપાસ કરતા ત્રિપુટી પૈકી રાહુલ ઉર્ફ કિશુ વસાવા સામે ડભોઇ પોલીસ મથકમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ ત્રણ માસ પહેલાં કારવણ ગામમાંથી એક્ટીવાની ચોરી કરી હતી. ઉપરાંત પચ્ચીસ દિવસ પહેલાં પોર ખાતેથી એક કારની ચોરી કરી હતી. પોલીસે ચોરીના વાહનોની પોકેટકોપ મોબાઇલ એપથી તપાસ કરી હતી. તેમાં વરણામા પોલીસ મથકમાં ગુના દાખલ થયેલા હોવાનું જણાઇ આવ્યું હતું.
વધુ ગુનાઓના ભેદ ઉકેલાશે
પોલીસે લૂંટાયેલી એક કાર, એક્ટીવા, ઇકો કાર, 3 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. ત્રિપુટી લૂંટારુની વધુ તપાસમાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. તેમ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.