અર્બન ફોરેસ્ટ:10 પ્લોટ પર વૃક્ષારોપણ કરાશે પાલિકા મક્કમ, ખાડા ખોદાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 પ્લોટ પર ખાડા ખોદતા મજૂરોને ભગાડ્યા હતા
  • ​​​​​​​5 જૂને 10 હજાર વૃક્ષોનું રોપણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો

75 પૈકીના ગ્રીન બેલ્ટના 46 પ્લોટ સંસ્થાઓ પાસેથી પરત લીધા બાદ પણ પાલિકા તંત્રને બદલે પ્લોટનું સંચાલન સંસ્થાઓ જ કરી રહી હોવાથી વૃક્ષારોપણ માટે ખાડા ખોદવા ગયેલા મજૂરોને 4 પ્લોટ પરથી ભગાડી દેવાયા હોવાનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેને પગલે પાલિકાના તંત્રએ કહ્યું હતું કે, અમે પાલિકાના 10 પ્લોટ પસંદ કર્યા છે. જેના ઉપર કોઇ પણ સંજોગોમાં વૃક્ષારોપણ કરવા તંત્ર મક્કમ છે.

બીજી તરફ પાલિકાના વિપક્ષ નેતાએ મેયર અને કમિશ્નરને પત્ર લખી ગ્રીન પ્લોટ પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની માંગ કરી છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિન હોવાથી પાલિકાએ મોટા ઉપાડે અર્બન ફોરેસ્ટની કરેલી જાહેરાત મુજબ સંસ્થા પાસેથી પરત લીધેલા 46 પ્લોટ પૈકી મોટાભાગના પ્લોટ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેના ભાગ રૂપે કોન્ટ્રાકટર સાથે પાલિકાની ટીમ ટીપી 11 અને 12માં આવેલા 4 પ્લોટ ઉપર ખાડા કરવા ગઈ હતી. જેનો પ્લોટના બની બેઠેલા માલિકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ટીમને પાછી મોકલી હતી.

મેયર સાથે વાત થયા બાદ આવજો અમે ખાડા નહિ ખોદવા દઈએ એમ ઉચ્ચ અધિકારીને જણાવ્યું હતું. મંગળવારે સાંજે વિસ્તારના ચાર કોર્પોરેટર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી બાદમાં આજે શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું.આ અંગે વિપક્ષી નેતા અમી રાવતે પત્ર લખી ગેરકાયદે બાંધકામને દુર કરી વૃક્ષા રોપણ કરવાની માંગ કરી છે. અને બાંધકામ કોની પરવાનગીથી કોણે કર્યું એની તપાસની માંગ કરી છે. જયારે પાલિકાના તંત્રે જણાવ્યું હતું કે અર્બન ફોરેસ્ટ અંતર્ગત પાલિકાના 10 પ્લોટ પર 5 જૂને 10 હજાર વૃક્ષો વવાશે. જેના માટે ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...