ભાસ્કર વિશેષ:સગીરની ટેલિ મેડિસિનથી સારવાર માટે વાલીની સંમતી જરૂરી, યુનાની-આયુર્વેદિક તબીબો એલોપથી સારવાર નહીં કરી શકે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નેશનલ મેડિકલ કમિશનના નવા ડ્રાફ્ટમાં તબીબો માટે પણ પ્રતિબંધ મૂકાયા

તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ પ્રેક્ટિશનર કન્ડક્ટ રેગ્યૂલેશનમાં ટેલિ મેડિસિનથી સારવાર આપતા તબીબો માટે કેટલાક પ્રતિબંધક આદેશ મૂક્યા છે. જે પૈકી સોશિયલ મીડિયામાં દર્દીઓને મેડિસિન આપવાના અને ટેલિ મેડિસિનથી સારવાર આપવાના મુદ્દા વધુ મહત્ત્વના થશે. ખાસ કરીને બાળકોને ટેલિ મેડિસિનથી અપાતી સારવારમાં તબીબોએ વિશેષ સાવચેતી રાખવી પડશે, એમ આઇઆઇએમ, ગુજરાતના પ્રમુખ ડો.પરેશ મજમુદારે જણાવ્યું હતું. ટેલિ મેડિસિનથી સારવાર આપતા તબીબે 18 વર્ષથી નીચેના દર્દી માટે વાલીની સંમતી લેવી પડશે.

તેમણે જણાવ્યું કે, વડોદરામાં હાલ 3300 જેટલા આઇઆઇએમ રજિસ્ટર્ડ તબીબો છે, જેમાંથી અંદાજે 400 તબીબો ટેલિ મેડિસિનથી સારવાર પણ કરે છે. ડ્રાફ્ટની જોગવાઇ મુજબ તબીબો તેના માટે ચાર્જ કરી શકશે. વડોદરામાં અત્યાર સુધી ઘણા ખરા તબીબો સોશિયલ મીડિયા પર કોઇ ફીની અપેક્ષા વિના જ પ્રિસ્કિપ્શન મોકલી આપતા હતા. કારણ કે, આઇઆઇએમની ગાઇડ લાઇન મુજબ મેડિકલ પ્રેક્ટિશનરે પોતાના પેડ પર જ હાથેથી લખીને મોકલવાનું હતું.

બીજી તરફ યુનાની કે આયુર્વેદિક તબીબો એલોપથીની સારવાર કરી શકશે નહીં, તે નોંધપાત્ર બાબત છે. આ ઉપરાંત તબીબોએ ટેલિ મેડિસિન કરવાની સાથે દર્દીઓના ડેટા કમ્પ્યૂટરમાં ફરજિયાત રાખવા પડશે. તેમણે જણાવ્યું કે, ‘વડોદરામાં હાલમાં કુલ 300 પીડિયાટ્રિશયન્સ છે, જે પૈકી 170થી 180 કમ્પ્યૂટર્સ ધરાવે છે.

જે આ નથી કરી શક્યા તેમાં 60 વર્ષથી વધુ વયના સિનિયર તબીબોનો સમાવેશ થાય છે.’ ઉલ્લેખનીય છે કે, વિદેશથી મેડિકલ ડિગ્રી લઇને આવતા ખાસ કરીને રશિયાથી આવતા તબીબો પોતાના નામની સાથે એમડી તરીકેની ઓળખ આપતા હોય છે. નવા ડ્રાફ્ટમાં ભારતમાં એમડીની પરીક્ષા આપીને પાસ થયા હોય તેવા જ તબીબો પોતાને એમડી તરીકે ગણાવી શકશે.

સોશિયલ મીડિયા પર રિપોર્ટ મોકલી નહીં શકાય
નવા નિયમો મુજબ તબીબ કે દર્દી સોશિયલ મીડિયા પર મેડિકલ રિપોર્ટ્સ મોકલાવી શકશે નહીં. જોકે હાલના તબક્કે આ ડ્રાફ્ટ નિયમો છે. આગામી સમયમાં અમલમાં મૂકાશે ત્યારે વ્યાપક અસર પડશે.

અન્ય સમાચારો પણ છે...