કોરોના અપડેટ:3 મહિનામાં 2 સરકારી હોસ્પિટલમાં કોરોનાના 12 હજાર દર્દીની સારવાર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ અને યજ્ઞપુરુષમાં રેકોર્ડબ્રેક સારવાર
  • દેશમાં સંભવત: સૌથી વધુ સારવાર: ઓએસડી ડો. વિનોદ રાવ

કોરોનાના બીજા વેવમાં સરકારી તંત્ર દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટેની ગોત્રી અને યજ્ઞપુરુષ હોસ્પિટલમાં છેલ્લા મહિનાઓ દરમિયાન સેંકડો દર્દીઓની સારવાર થઇ છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ બંને હોસ્પિટલોમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. કોરોના ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનામાં 12 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે, જે દેશમાં સંભવત: સૌથી વધુ છે. કોરોના ઓએસડીએ ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાંના તબીબો સહિતના કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો ત્યારે આ રસપ્રદ હકીકત જણાવી હતી. ડો. વિનોદ રાવે જણાવ્યું કે, ‘છેલ્લા 3 મહિનામાં વડોદરામાં કોરોનાના અંદાજે 75 હજાર દર્દીઓની સારવાર થઇ છે.

શહેરના 44 હજાર દર્દીઓ ઉપરાંત પણ સંખ્યાબંધ દર્દીઓએ વડોદરા બહારથી આવીને સારવાર લીધી છે. જ્યારે એસએસજીમાં 10 હજાર સહિત આ 3 હોસ્પિટલોમાં આ 3 મહિના દરમિયાન 22 હજાર દર્દી સાજા થયા છે.’ ઉલ્લેખનીય છે કે, પાલિકાના રેકોર્ડ મુજબ વડોદરા શહેર-જિલ્લામાં માર્ચ-2020થી અત્યાર સુધી 71,239 કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે. આ સમયગાળા દરમિયાન એસએસજીમાં પણ 10 હજાર દર્દીઓની સફળ સારવાર થતાં તેમને રજા આપ્યા હોવાનું ડો. વિનોદ રાવે જણાવ્યું હતું.

તેમણે એસએસજીમાં પણ બેઠક યોજી હતી અને કોરોનાના બીજા વેવમાં વડોદરા તમામ વિભાગોના ચાવીરૂપ અધિકારીઓના સફળ સંકલનને લીધે આ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શનિવારે જીઇબી ગેસ્ટ હાઉસ ખાતે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ, એસપી અને નોડલ ઓફિસર્સ સહિતના ઉચ્ચ અધિકારીઓનો અનૌપચારિક મિલન સમારોહ યોજાયો હતો.

63 દર્દી જ સારવાર હેઠળ, નવા 82 કેસ
શહેરમાં શનિવારે કોરોનાના નવા 82 કેસો નોંધાયા હતા, જ્યારે 423 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. સતત બીજા દિવસે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દી પૈકી મૃત્યુ પામતા દર્દીઓનો સત્તાવાર આંક શૂન્ય રહ્યો હતો. શહેરમાં નવા 49 અને ગ્રામ્ય વિસ્તારમાં 33 કેસો નોંધાયા હતા.

હાલમાં એસએસજીમાં માત્ર 63 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જ્યારે હોમ આઇસોલેશનમાં પણ 1004 દર્દીઓ જ સારવાર હેઠળ છે, જે 15 દિવસ અગાઉ 2626 હતા. શહેરમાં એક્ટિવ દર્દીઓ 2134 છે, જેમાંથી વેન્ટિલેટર પર 335 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે એક મહિના અગાઉ 1139 હતા. શનિવારે પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 21, ઉત્તર ઝોનમાં 10 અને દક્ષિણમાં 12 નવા દર્દી છેલ્લા 24 કલાક દરમિયાન આવ્યા હતા. શહેરમાં કેસો ઘટી રહ્યા છે, જ્યારે રસીકરણ 62 ટકા જેટલું થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...