ભાસ્કર એક્સક્લુઝિવ:કમાટીબાગનાં 1100 પ્રાણી-પક્ષીની સારવાર આણંદની કોલેજના ભરોસે

વડોદરા3 મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
  • પાલિકાએ બનાવેલું દવાખાનું બિન ઉપયોગી
  • તબીબોની ભરતી ન કરી, લેબ-ઓપરેશન થિયેટરના સાધનનો અભાવ

કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયનાં 1100 પ્રાણી-પક્ષીનું આરોગ્ય આણંદની વેટરનરી કોલેજના ભરોસે છે. નેશનલ ઝૂ ઓથોરિટીએ લાલ આંખ કરતાં પાલિકાએ દવાખાનાનું બિલ્ડિંગ તો તૈયાર કર્યું, પરંતુ સાધનો અને તબીબની ભરતી કરાઈ નથી. બાયોલોજિસ્ટ ઇન્ચાર્જ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ઝૂ ક્યુરેટર અનુભવના આધારે સેવા આપે છે.નેશનલ ઝૂ ઓથોરિટીએ લાલ આંખ કર્યા બાદ પાલિકાએ આધુનિકરણના ભાગરૂપે 6.36 કરોડના ખર્ચે પ્રાણીઓનાં 5 પિંજરાં અને દવાખાનાનું બાંધકામ કરાયું હતું. ડિસેમ્બર 2020માં દવાખાનું કાર્યરત કરાયું, પણ સાધનોના અભાવે રૂમો બિનુપયોગી બની છે. લેબોરેટરી, ઓપરેશન થિયેટર માટેનાં સાધનો નથી.

આ માટે આણંદની વેટરનરી કોલેજ વડોદરા ઝૂ ઓથોરિટીને સેવા આપી રહી છે. વડોદરાથી શિડ્યુલ મુજબ પ્રાણી-પક્ષીના લોહી-સ્ટૂલના સેમ્પલ દર 3 કે 6 મહિને ત્યાં મોકલવા પડે છે અને આકસ્મિક સંજોગોમાં ત્યાંની ટીમ વડોદરા આવે છે.

25 લાખનાં સાધનો માટે CSRની મદદ લઈશું
હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે સારવાર શરૂ કરાઈ છે. લેબોરેટરીનાં સાધનોની પ્રાથમિક જરૂર છે. 25 લાખ રૂપિયાના સાધનો ખરીદવા પડશે જે માટે અમે કોઇ સંસ્થાનું સીએસઆર ફંડ મળે તેવા પ્રયાસ હાથ ધર્યા છે. એક્સરે માટેની તો જ ખૂબ વાર છે. - પ્રત્યુષ પાટણકર, ઝૂ ક્યુરેટર

દવાખાનામાં કઈ સુવિધા માટે રૂમો બની

  • ઓપરેશન થિયેટર
  • નિયોનેટલ રૂમ
  • એક્સ રે રૂમ
  • લેબોરેટરી
  • રેકોર્ડ રૂમ
  • ફાર્મસી રૂમ
  • અધિકારીઓ માટેની રૂમ
અન્ય સમાચારો પણ છે...