તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ટ્રાવેલ્સ સંચાલકે 70થી વધુ બોગસ આરટીપીસીઆર રિપોર્ટ બનાવ્યા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાકેશનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા ધરપકડ કરી પૂછપરછ આદરી
  • બોગસ રિપોર્ટ બનાવાનારાના મોબાઇલ નંબર મેળવી તપાસ શરૂ કરાઈ

હાલની કોરોના મહામારીમાં નોકરીયાતો તથા અન્ય રાજયોમાંથી ગુજરાતમાં આવતા જતા મુસાફરોને બોગસ આરટીપીસીઆર ટેસ્ટ બનાવી આપનારા રાકેશ મીરચંદાનીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતાં ક્રાઇમ બ્રાન્ચે બુધવારે તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાકેશ પાસેથી બોગસ ટેસ્ટ રીપોર્ટ બનાવનારા 70થી વધુ લોકોના મોબાઇલ નંબરના આધારે તેમની સામે પણ તપાસ શરુ કરાઇ હતી.

શહેરના વારસીયા વિસ્તારમાં હરીક્રિષ્ણા સોસાયટીમાં રહેતો અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો રાકેશ ભગવાનદાસ મીરચંદાની કોરોના મહામારીમાં રાજ્ય બહાર જવા માટે તથા અન્ય રાજયોમાંથી આવતા પોતાના મુસાફરો માટે બોગસ આરટીપીસીઆર ટેસ્ટ બનાવી આપે છે તેવી બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે રાકેશ મિરચંદાનીને ઝડપી પાડયો હતો. રાકેશ તેના લેપટોપમાં પીડીએફ એડીટર વેબસાઇટનો ઉપયોગ કરી લોકોના બોગસ આરટીપીસીઆર રીપોર્ટ બનાવતો હતો અને છેલ્લા 15 દિવસમાં તેણે 70થી વધુ લોકોના બોગસ રીપોર્ટ બનાવ્યા હતા.

રાકેશ પાસેથી મળેલા મોબાઇલ નંબરના આધારે બોગસ રિપોર્ટ કોણે કોણે બનાવડાવ્યા હતા તેની તપાસ શરુ કરાઇ છે. રાકેશનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની બુધવારે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી હતી.

બોગસ રિપોર્ટ મેળવી આર્થીક લાભ મેળવ્યો હોવાની શંકા
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ખાસ કરીને કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ રજા મંજુર કરાવવા તથા રજા દરમિયાનનો પગાર લેવા માટે રાકેશ પાસે પોઝીટીવ રીપોર્ટની માંગણી કરતા હતા. આ ઉપરાંત મેડીકલેમના દાવામાં રજુ કરવા માટે અને કંપનીમાં 15 દિવસની રજા મળે તે માટે લીવ રીપોર્ટમાં રીપોર્ટ રજુ કરવા માટે પણ રાકેશ લોકોને બોગસ આરટીપીસીઆર બનાવી આપતો હતો જેથી બોગસ રિપોર્ટ બનાવડાવનારા લોકોને શોધવાની કાર્યવાહી કરી છે. કેટલાક લોકોએ બોગસ રિપોર્ટના આધારે આર્થીક લાભ મેળવ્યો હોવાની શંકા વ્યકત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...