નુકસાન:ટ્રેનો હાઉસફૂલ અને એસટી બસો ખાલીખમ, ખર્ચો પણ નીકળતો નથી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જંગી ખોટ છતાં તમામ રૂટો પર એસટી બસ સેવા ચાલુ રખાઇ છે
  • વડોદરા એસટી ડિવિઝન દ્વારા 7 ડેપોમાં 1750 ટ્રીપનું સંચાલન
  • બસમાં 60 ટકા મુસાફરોની છૂટ છતાં 35 ટકા મુસાફરો મળે છે
  • વડોદરા અમદાવાદની ઇન્ટર સિટી બસ ખાલી જઈ રહી છે

કોરનાની મહામારી વચ્ચે રેલવે દ્વારા ગણતરીની ટ્રેન ચલાવાય છે. વડોદરા સુરત અને વડોદરા અમદાવાદ વચ્ચે અપડાઉન કરનારા માટે એસટી બસ એક માત્ર સહારો છે ત્યારે રેલવેમાં એક બાજુ તત્કાલ ટિકિટ પણ મિનિટોમાં બુક થાય છે અને બીજી બાજુ એસટી બસ વડોદરા અમદાવાદ વચ્ચે ખાલી જાય છે. એસ.ટી વિભાગને કિલોમીટરે જે ડીઝલનો ખર્ચ આવે છે. જેની સામે માત્ર સાવ ઓછી આવક થઇ રહી છે તેમ છતાં એસટી દ્વારા તમામ ટ્રીપ ચાલુ રાખવામાં આવી છે.

વડોદરા એસટી ડિવિઝન દ્વારા સાત ડેપોની કુલ 1750 ટ્રીપ ચલાવાય છે જ્યારે બહારની 1500 બસ વડોદરા ખાતે આવે છે. ગુજરાત સરકાર દ્વારા બસમાં 60 ટકા મુસાફરો બેસાડવાની છૂટ આપવામાં આવી છે. જેની સામે માત્ર 35 ટકા જેટલા મુસાફરો બસનો ઉપયોગ કરે છે. જ્યારે એસટી વિભાગને પણ બસ ખાલી જવાનું કારણ સમજાતું નથી. વડોદરા એસટી ડિવિઝનની વડોદરા અમદાવાદની ઇન્ટરસિટી બસ ખાલી જઈ રહી છે.

વડોદરા એસટી ડેપો પર રોજના મુસાફરોની સંખ્યા માત્ર ત્રણ હજાર નોંધાય છે. જે અગાઉ 10 થી 15 હજાર રહેતી હતી. જીએસઆરટીસી માં હાલ સરકારની ગ્રાન્ટ ઉપર પગાર કરવામાં આવે તેવી સ્થિતિ છે ત્યારે કોરોના અગાઉ ભરતી કરાયેલા એસટી નવા કર્મચારીઓને પોસ્ટિંગ અપાયું નથી અંદાજે 1100 જેટલા કંડકટરની નોકરી અટવાઇ છે.

રાજસ્થાનમાં સો ટકા મુસાફર બેસાડવા છુટ
કોરોના મહામારી દરમિયાન રાજસ્થાનની બસમાં 100 ટકા મુસાફર બેસાડવાની છૂટ અપાઇ છે ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં આવતી બસ ગુજરાત સરહદ પહેલા પૂરેપૂરી ભરેલી હોય છે. આવી જ રીતે વડોદરા થી રાજસ્થાન જતી બસ ગુજરાત સરહદ પાર કર્યા બાદ પૂરેપૂરી ભરી શકાય છે. આનાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધે છે.

100 શોર્ટ ટ્રીપમાં માત્ર દસ મુસાફરો હોય છે
વડોદરા થી પોર, પાદરા જેવા નજીકના 100 રૂટ પૈકી તમામ રૂટમાં માત્ર 10 જેટલા મુસાફરો હોય છે. લોકો પોતાના વાહનમાં કે શેરિંગ વ્હીકલમાં જવાનું પસંદ કરી રહ્યા છે. 30 કિમીના રૂટ ની બસમાં માડ 30થી 35 મુસાફરો હોય છે. - એસ.પી.માત્રોજા, ઇન્ચાર્જ, વડોદરા એસટી ડિવિઝન

મહારાષ્ટ્રની બસો શરૂ કરવા તૈયારી
વડોદરા એસટી ડિવિઝન દ્વારા મહારાષ્ટ્ર માટે ચાલતી માલેગાંવ અને શેરડીની 10 ટ્રીપ શરૂ કરવા તૈયારી હાથ ધરી છે. આ સાથે એમપીની ઉજ્જૈન માટેની પણ પણ મંજૂરી આવે તો બસ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...