વડોદરા શહેરના અલકાપુરી ગરનાળાનું સમારકામ હાથ ધરવામાં આવતા વાહનવ્યહાર માટે આજે સવારથી બંધ કરવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. તેમજ તેના કારણે વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે જેતલપુર બ્રિજનો ઉપયોગ કરતા હોવાથી બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.
નોકરીએ જતાં લોકો અટવાયા
વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલ અલકાપુરી ગરનાળામાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જાય છે. જેથી તેવે વારંવાર બંધ કરવું પડે છે. આ માટે હવે તંત્ર મોડે મોડે જાગ્યું છે અને અલકાપુરી ગરનાળાનું સમારકામ અને પાણીના નિકાલ માટે સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેથી આજે સવારથી જ આ ગરનાળું બંધ કરી દેવા આવ્યું છે અને પોલીસે બેરિકેટ લગાવી દીધા છે. જેના કારણે અલકાપુરી તરફ જતાં અને આવતા વાહનચાલકો અટવાઇ પડ્યા છે. વાહનચાલકો હવે એકથી બીજી તરફ જવા વૈકલ્પિક રૂટ તરીકે જેતલપુર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. જેથી નોકરીએ જતાં લોકો અને શાળા-કોલેજમાં જતાં વિદ્યાર્થીઓ પણ પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અલકાપુરી ગરનાળું આમ તો બારેમાસ પાણીથી ટપકતું રહે છે અને બીજી તરફ તંત્ર પ્રિમોન્સુન કામગીરી કર્યાની વાતો કરતું રહે છે. ત્યારે હવે ભર ચોમાસે સમારકામની કામગીરી હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.