તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને પીઆઇની ચીમકી:વડોદરામાં વેક્સિન છે નહીં, સેન્ટરો બંધ કરવાં પડે છે ને બીજી બાજુ વેપારીઓને 30મી સુધીમાં વેક્સિન લો, નહીંતર દુકાનો બંધ કરવા પોલીસની દમદાટી

વડોદરા3 મહિનો પહેલા
  • '30 જૂન સુધીમાં વેપારીઓ વેક્સિન નહીં લે તો દુકાનો બંધ કરાવી દેશે': વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પીઆઇની ચીમકી
  • પોલીસના જાગૃતિ અભિયાનમાં પીઆઇએ વેપારીઓને સરકારના આદેશ પ્રમાણે રસી લઈ લેવાની ચીમકી આપી

'સરકારના આદેશ મુજબ, 30 જૂન સુધીમાં નાના-મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો તેમની દુકાનો, પથારા, લારીઓ બંધ કરાવી દેવામાં આવશે,' એવી વેપારીઓને વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વાણિયાએ ચીમકી ઉચ્ચારી હતી. એક તરફ, વડોદરામાં વેક્સિન છે નહીં, વેક્સિનેશન સેન્ટરો બંધ કરવાં પડે છે અને બીજી બાજુ, પોલીસ વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લો, નહીંતર દુકાનો બંધ કરવાની દમદાટી આપી રહી છે.

શનિવારે માત્ર કોવેક્સિનનો જથ્થો આવતાં અને કોવિશિલ્ડનો ન આવતા અંધાધૂંધી સર્જાઇ હતી. રસીકરણ કેન્દ્રો પર રજિસ્ટ્રેશન વગર જનારા લોકોને માંજલપુરથી હરણી રોડ અને તરસાલીથી એરપોર્ટ સુધી ધક્કો ખાવો પડ્યો હતો. સયાજી અને ન્યૂ વીઆઇપી રોડ સાધુ વાસવાણી સ્કૂલમાં હોબાળો મચતાં પોલીસ બંદોબસ્ત મૂકવાની ફરજ પડી હતી. તંત્ર સંસ્થાઓ સાથે બેઠક કરી રસીકરણ વધારવા પ્રયાસ કરી રહ્યું છે, બીજી તરફ કોવેક્સિન બાદ કોવિશિલ્ડનો જથ્થો પૂરતો ન આવતાં લોકો અટવાયા છે. ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ ચીમકી આપે છે કે વેપારી રસી લે નહીં તો દુકાન બંધ કરાશે.

શનિવારે કોવિશીલ્ડ ઓછી આવતાં તે માટેના સેન્ટર બદલવા પડ્યાં હતાં. જેથી સયાજી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કર્યા વગર પહોંચેલા લોકોએ હોબાળો મચાવતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઓનલાઇન રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન વગર આવેલા લોકોની અલગ કતાર કરાવી મામલો થાળે પાડ્યો હતો. ન્યુ વીઆઇપી રોડ સાધુ વાસવાણી સ્કૂલમાં તરસાલી અને માંજલપુરથી લોકો આવ્યા હતા.

લોકોએ જણાવ્યા મુજબ ઓનલાઇન સર્ચ કરી સાધુ વાસવાણી સ્કૂલ ખાતે કોવિશીલ્ડ દેખાતાં રસી લેવા આવ્યા હતા. જોકે ત્યાં રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન વગર આવેલા લોકોની સંખ્યા 500 ઉપરાંત થતાં હોબાળો મચ્યો હતો, જેને પગલે વારસિયા પોલીસનો બંદોબસ્ત સાંજે 5 વાગ્યા સુધી ગોઠવવાની ફરજ પડી હતી. શહેરમાં શનિવારે 10,600 લોકોએ રસી મુકાવી હતી. જયારે જિલ્લામાં 15026 લોકોએ રસી મુકાવી હતી.

વડોદરા પોલીસે વેક્સિનેશન માટે અભિયાન શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ જાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા 21 જૂનથી વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ 260 કેન્દ્ર શરૂ કરીને વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના તમામ લોકો વેક્સિન લઇ લે એ માટે શહેર પોલીસતંત્ર પણ જોડાયું છે, પણ આ જાગૃતિ અભિયાનમાં પોલીસ વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લઇ લેવાની ચેતવણી આપી રહી છે.

વડોદરા શહેરના તમામ લોકો વેક્સિન લઈ લે એ માટેના અભિયાનમાં શહેર પોલીસતંત્ર પણ જોડાયું છે.
વડોદરા શહેરના તમામ લોકો વેક્સિન લઈ લે એ માટેના અભિયાનમાં શહેર પોલીસતંત્ર પણ જોડાયું છે.

વેક્સિન લઈ લેવા માટે વેપારીઓને ફરજ પડાઈ
આજે વડોદરા શહેરના સિટી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી વેક્સિન લેવા માટે લોકોને જાગ્રત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મંગળ બજાર અને નવા બજાર સહિતના વિસ્તારોમાં ધંધો-રોજગાર કરતા પથારાવાળા, લારીઓવાળા તેમજ નાની-મોટી દુકાનો ધરાવતા વેપારીઓને વેક્સિન ન લીધી હોય તો લઇ લેવા માટેની ફરજ પાડવામાં આવી હતી.

'30 જૂન સુધીમાં વેપારીઓ વેક્સિન નહીં લે તો દુકાનો બંધ કરાવી દેશે': વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પીઆઇની ચીમકી.
'30 જૂન સુધીમાં વેપારીઓ વેક્સિન નહીં લે તો દુકાનો બંધ કરાવી દેશે': વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પીઆઇની ચીમકી.

વેક્સિન નહીં લે તો વેપાર બંધ કરાવી દેવાની પીઆઇની ચીમકી
સિટી પોલીસ મથકના પોલીસ અધિકારી વી.આર.વાણિયાએ જણાવ્યું હતું કે સરકારનો આદેશ છે કે 30 જૂન સુધી તમામ લોકોએ વેક્સિન લઈ લેવી લેવાની રહેશે. ત્યારે સિટી પોલીસ સ્ટેશન દ્વારા તમામ નાના-મોટા વેપારીઓ વેક્સિન લઈ લે એ માટે આજે સવારથી પોલીસ મથક વિસ્તારમાં જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. આજના જાગૃતિ અભિયાન પછી પણ નાના, મોટા વેપારીઓ તેમજ પથારાવાળા અને લારીવાળા 30 જૂન સુધીમાં વેક્સિન નહીં લે તો તેમના વેપાર, રોજગાર બંધ કરાવી દેવામાં આવશે, એવી ચીમકી પીઆઇએ ઉચ્ચારી હતી.

વેપારીઓને વેક્સિન ન લીધી હોય તો વેક્સિન લઈ લેવા માટેની ફરજ પાડવામાં આવી.
વેપારીઓને વેક્સિન ન લીધી હોય તો વેક્સિન લઈ લેવા માટેની ફરજ પાડવામાં આવી.

પોલીસકર્મીઓ લોકોને નજીકનાં કેન્દ્રો પર લઈ જઈને વેક્સિન અપાવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂરો કરવા માટે છેલ્લા કેટલાક સમયથી શહેર પોલીસતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા સ્લમ વિસ્તારોમાં જઈને લોકોને વેક્સિન લેવા માટે સમજાવી રહ્યા છે અને લોકોને એ માટે નજીકનાં કેન્દ્રો પર લઈ જઈને વેક્સિન અપાવી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત પોલીસતંત્ર દ્વારા વેક્સિનથી કોઈ વંચિત ન રહી જાય એ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

એરપોર્ટના સેન્ટર પર 721 લોકોએ રસી મૂકાવતા એક કિલો અનાજ ફ્રી અપાયું
એરપોર્ટ ખાતે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રસીકરણના મેગા કેમ્પ યોજતા 721 લોકો લાભ લીધો હતો. રસી મૂકાવવા આવેલા 500 લોકોને એક કિલો અનાજની કિટ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવી હતી. એરપોર્ટ ખાતે પણ 200ના સ્લોટની સામે 500 લોકો આવતાં રસીનો વધુ જથ્થો મગાવવો પડ્યો હતો.

પોર્ટલ પર સ્થિતિ ચેક કરી સેન્ટર પર જાવ
કેન્દ્ર સરકાર દ્વારા રોજેરોજ અલગ જથ્થો આપવામાં આવે છે. જેથી નાગરિકો ભલે ઓનલાઇન બુકિંગ ન કરાવે પરંતુ કયા સેન્ટર પર કઈ રસી મૂકવામાં આવે છે તે જોઈને આવે જેથી તેમને અન્ય સેન્ટર ઉપર જવું ન પડે. > ડો. દેવેશ પટેલ, આરોગ્ય અમલદાર , કોર્પોરેશન

અન્ય સમાચારો પણ છે...