પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવીને ન્યાયમંદિરના વિસ્તારને વિકસાવવાની બાબતને લઈને બુધવારે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડકે મ્યુનિસીપલ કમિશનરને પત્ર લખી જાણ કરી હતી. ત્યારે આજે આ પત્ર લખ્યા બાદ ધારાસભ્યએ સ્થાનિક આગેવાનોની સાથે રહીને વેપારીઓને મળીને વાતચીત કરી હતી.પદ્માવતી શોપિંગ સેન્ટરનું બિલ્ડિંગ 60 વર્ષ જુનું છે. ન્યાયમંદિરને ડેવલપ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે ન્યાયમંદિરની સુંદરતામાં વધારો કરવા માટે આ સેન્ટરને દુર કરવા માટેનું સૂચન કરાયું છે.
આગામી દિવસોમાં વેપારીઓ સાથે મળીને મહાનગરપાલિકા મિટીંગ કરશે અને ત્યાંના વેપારીઓને વૈકલ્પિક જગ્યાની વિચારણા બાદ આ કામગીરી શક્ય બનશે. બાળક઼ૃષ્ણ શુક્લાએ ગુરુવારે સવારે પદ્માવતિ શોપિંગ સેન્ટરની મુલાકાત લઇ વેપારીઓ સાથે વાતચીત પણ કરી હતી. જેમાં તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ તેમને આશ્વાસન આપ્યું હતુ. શોપિંગ સેન્ટર દૂર કર્યા બાદ ન્યાયમંદિરની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ અંગે વેપારીઓ પોતાના મંડળ સાથે ચર્ચા કરી માગણી અને પ્રશ્નોના નિરાકરણ સાથે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે.
શોપિંગ સેન્ટરમાં 400 દુકાનો છે અને એ તમામની રોજીરોટીનો તે આશરો છે. જો આ દુર કરે તો તેનો વિકલ્પ પણ યોગ્ય મળવો જોઈએ તેવી ઈચ્છાઓ વેપારીઓએ વ્યક્ત કરી છે. નોંધનિય છે કે, ગત વર્ષે પાલિકાએ સંકલનમાં પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરી ત્યાં મલ્ટિલેવલ પાર્કીંગની સુવિધા નાગરીકોને મળે તેવી વિચારણા કરી હતી. જે વાત હવે પાલીકાના સત્તાધિશો અને અધિકારીઓ ભુલી ગયા હોય તેમ જણાય છે.
વેપારીઓનો યક્ષ પ્રશ્ન : શોપિંગ દૂર કર્યા બાદ પથારાવાળાનું શું?
અગાઉ પદ્માવતી શોપિંગ સેન્ટરની બહાર 130 જેટલી કેબીનો તોડી પડાઇ હતી. એ સમયે ત્યાં હેરીટેજની જાળવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ તે જગ્યા પર પથારાવાળાઓ જગ્યા રોકીને બેઠા છે. ત્યારે આ સેન્ટર દુર કર્યા પછી તે અંગે પાલિકા શું વિચારી રહી છે તે જાણવું પણ મહત્વનું હોવાનું પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓનું માનવું છે.
વેપારીઓના મનની વાત જાણી : બાળુ શુક્લ
આ વિસ્તારની મુલાકાત કરી છે અને ત્યાંના તમામ વેપારીઓને મળી તેઓના મનની વાત પણ જાણી હતી. તેઓની પણ ઈચ્છા છે કે, આ બિલ્ડિંગ દુર થાય. - બાળકૃષ્ણ શુક્લા, મુખ્યદંડક વિધાનસભા
અમે વેપારીઓ મળી વધુ ચર્ચા કરીશું
અમે બધા વેપારીઓએ આજે બાળુભાઈ સાથે મુલાકાત કરી હતી. અમે બધા વેપારીઓ હજુ મળીશુ. પાલિકાની વ્યવસ્થા જાણીને નિર્ણય લઈશું. આજે ખાલી વાત જ કરી છે - રુપચંદ, વેપારી, પદ્માવતી શોપિંગ સેન્ટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.