દોડધામ:વડોદરાના પ્રતાપનગર રોડ પર દુકાનના ભોંય તળિયામાંથી ધૂમાડા નીકળતા વેપારી ચોંકી ઉઠ્યો, વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થઇ હોવાનું બહાર આવ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનની બહાર ભોંય તળીયેથી પસાર થતા વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળ્યા - Divya Bhaskar
દુકાનની બહાર ભોંય તળીયેથી પસાર થતા વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળ્યા
  • શોર્ટ સર્કિટથી જમીન ગરમ થઇ હોવાનું ખબર પડતા વેપારીને હાશકારો અનુભવ્યો

વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા અપ્સરા કોમ્પ્લેક્ષ સ્થિત એક દુકાનની બહાર ભોંય તળીયેથી પસાર થતા વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળ્યા હતા. દુકાનદારને જમીન ગરમ લાગતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો દોડી આવ્યા હતા અને ખોદકામ કરી તપાસ કરતા દુકાન સ્થિત ભોંયતળીયામાંથી પસાર થતાં વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વરાળો નીકળી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી.

આ પહેલા ગેસની લાઇનમાં લીકેજથી રસ્તા પર આગ લાગી હતી
ઉલ્લેખનિય છે કે, વડોદરામાં જમીનમાંથી ગેસ લાઇન, ગટર લાઇન અને વીજ કનેક્શન તથા ઇન્ટરનેટ કેબલ પસાર થાય છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની અંડર ગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવી છે. અગાઉ શહેરમાં અંડર ગ્રાઉન્ડ કરાયેલી ગેસની લાઇનમાં લીકેજ થવાને કારણે રસ્તા પર આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક ઘટના પ્રતાપનગર રોડ ઉપર આવેલા અપ્સરા કોમ્પ્લેક્ષમાં બનતા ચકચાર મચી ગઇ હતી.

શોર્ટ સર્કિટથી જમીન ગરમ થઇ હોવાનું ખબર પડતા વેપારીને હાશકારો અનુભવ્યો
શોર્ટ સર્કિટથી જમીન ગરમ થઇ હોવાનું ખબર પડતા વેપારીને હાશકારો અનુભવ્યો

જમીન ગરમ થતાં સંચાલક ચોંકી ઉઠ્યા
આજે બનેલી ઘટનાની વિગત એવી છે કે, વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર અપ્સરા કોમ્પલેક્ષ આવેલું છે. આ કોમ્પલેક્ષમાં દુકાનો આવેલી છે. સવારે નિયત સમયે ગેરેજની દુકાન ખોલવા જતા દુકાનના બંધ શટર પાસે જમીન ગરમ હોવાનો સંચાલકને અહેસાસ થતાં ચોંકી ઉઠ્યા હતા. દુકાનની અંદરનો ભોંયતળીયાનો ભાગ ગરમ લાગતા સંચાલક મુંઝાયા હતા. ગરમ જમીનમાંથી વરાળ નિકળતી જોવા મળતા ગેરેજ સંચાલક તથા આસપાસની દુકાન ધારકો મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. ચિંતાતૂર દુકાનધારકોએ આ ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો દોડી ગયા હતા.

વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થઇ હોવાનું બહાર આવ્યું
ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જમીન ગરમ થવા અને તેમાંથી વરાળ નિકળવા અંગેનું મૂળ શોધવાની તજવીજ હાથ ધરી હતી. ફાયરના લાશ્કરોએ જમીનમાં ખોદકામ કર્યું હતું. જેમાં જમીનમાં આવેલા અંડર ગ્રાઉન્ડ વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ગરમ ગરમ વરાળ નિકળી રહી હોવાનું બહાર આવ્યું હતું. વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જમીન ગરમ થઇ હોવાનું દુકાન સંચાલકને જણાવતા તેને હાશકારો અનુભવ્યો હતો. તે સાથે આસપાસના દુકાન દારોની ચિંતાનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...