• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Trader Lost Rs 2 Crore In The Lure Of Getting 25 Per Cent Return, 12 Fraudsters Cheated In The Name Of Investing In Stock Market, Bitcoin, IPO In Vadodara,

રોકાણ કરતાં પહેલાં સાવધાન:વડોદરામાં વેપારીએ 25 ટકા રિટર્ન મેળવવાની લાલચમાં 2 કરોડ ગુમાવ્યા, શેરબજાર, બિટકોઇન, IPOમાં રોકાણના નામે 12 ભેજાબાજોએ છેતરપિંડી કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ અમદાવાદ જિલ્લાના ધંધૂકાના વેપારીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને લિંક ખોલતાં ભેજાબાજોએ લોભામણી ઓફર આપી
  • વેપારીને 12 લોકોએ અલગ-અલગ રીતે ફોન કરીને શિકાર બનાવ્યો, 4 કરોડનું રોકાણ કરાવ્યા બાદ રૂ.1.96 કરોડ રિટર્ન પેટે પરત કર્યા

તમે જો શેરબજાર, બિટકોઇન, ફોરેક્સ અને IPOમાં રોકાણ કરવા જઇ રહ્યા હોય તો ભેજાબાજોથી સાવધાન થઇ જજો. વડોદરામાં રહેતા વેપારીને 25 ટકા રિટર્ન મેળવવાની લાલચમાં 2.08 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. શેરબજાર, બિટકોઇન અને IPOમાં રોકાણના નામે 12 ભેજાબાજોએ વેપારી પાસેથી રૂપિયા ખંખેરી લીધા હતા.

ભેજાબાજોએ 2.08 કરોડ રૂપિયા પાછા ન આપ્યા
વડોદરાના બિલ ચાપડ રોડ પર રહેતા સ્ટોક માર્કેટનો વેપાર કરતા યુવકને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી શેરબજાર, IPO, ફોરેક્સ અને બિટકોઇનનો વેપાર ચાલુ કરવા માટે લાલચ આપી 12 શખસે અલગ-અલગ રીતે ફોન કરીને 4 કરોડ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ એમાંથી રિટર્ન પેટે 1 કરોડ 96 લાખ આપી બાકીના બે કરોડ ઉપરાંતની રકમ નહીં આપી ઠગાઈ કરી હતી. યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

શેરબજાર, બિટકોઇન, IPOમાં રોકાણના નામે ભેજાબાજોએ છેતરપિંડી કરી(પ્રતીકાત્મક તસવીર)
શેરબજાર, બિટકોઇન, IPOમાં રોકાણના નામે ભેજાબાજોએ છેતરપિંડી કરી(પ્રતીકાત્મક તસવીર)

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ હતી
વડોદરા શહેરના બિલ ચાપડ રોડ પર રહેતા અને અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાસી ધ્રુવ વિપુલભાઈ શાહ સ્ટોક માર્કેટનો વેપાર કરે છે. ગત ઓક્ટોબર 2020માં તેણે સોશિયલ મીડિયા પર એક જાહેરાત જોઈ હતી, જેમાં શેરબજાર, IPO, ફોરેક્સ અને બિટકોઈનનો પોતાનો વેપારધંધો ચાલુ કરવો હોય તો સંપર્ક કરો એમ જણાવી સોશિયલ મીડિયાની લિંક આપેલી હતી.

મહિને 25 ટકા વળતરની લોભામણી ઓફર આપી
યુવકે આ લિંક પર ક્લિક કરતાં મહાદેવ બુક્સ નામની ચેનલ ઓપન થઈ હતી અને ત્યાર બાદ તેને લાલચ અપાઈ હતી કે શેર માર્કેટમાં 10 લાખનું રોકાણ કરશો તો મહિને 25 ટકા વળતર મળશે અને અઢી લાખથી ઉપરનું રોકાણ કરશો તો 15 ટકા વળતર મળશે, જેથી યુવકે અઢી લાખના પ્લાનમાં રોકાણ કરવાનું કહેતાં ભેજાબાજોએ તેની સાથે વાતચીત કરી અલગ-અલગ અકાઉન્ટમાં રૂપિયા 4 કરોડ રોકાણ માટે ઓક્ટોબર-2020થી મે-2021 દરમિયાન સગાં-સંબંધીઓથી પાસે લઈને આ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી.

4 કરોડનું રોકાણ કરાવ્યા બાદ રૂ.1.96 કરોડ રિટર્ન પેટે પરત કર્યા(પ્રતીકાત્મક તસવીર).
4 કરોડનું રોકાણ કરાવ્યા બાદ રૂ.1.96 કરોડ રિટર્ન પેટે પરત કર્યા(પ્રતીકાત્મક તસવીર).

અલગ-અલગ 9 ખાતાંમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા
ધ્રુવ શાહે પોતાના HDFC બેંક, એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંક, બેંક ઓફ ઇન્ડિયાના અકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત માતાના HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડાના અકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

12 અકાઉન્ટધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભેજાબાજોએ રિટર્ન પેટે યુવકને 1 કરોડ 96 લાખ રૂપિયા પરત આપ્યા હતા, જોકે બાકીના 2.08 કરોડ પરત ન આપી ફોન ઉપાડવાનું બંધ કરી યુવકને બ્લોકમાં નાખી દીધો હતો. આખરે વેપારીએ આ મામલે 12 અકાઉન્ટધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.