કામગીરી:તાલુકા પંચાયત ઉપપ્રમુખ સામેની દરખાસ્ત અંગે હિયરિંગ બાદ નિર્ણય કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજેન્દ્રસિંહને હોદ્દા પરથી દૂર કરવા દરખાસ્ત
  • ઉપપ્રમુખે રજૂ કરેલા જવાબ બાદ પગલાં ભરાશે

તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલને ઉપપ્રમુખના હોદ્દા પરથી દૂર કરવાની પંચાયત શાખા દ્વારા કરાયેલી દરખાસ્ત મામલે ગુરુવાર સુધીમાં હિયરિંગ રખાયું છે.જેમાં ઉપપ્રમુખ દ્વારા રજૂ કરાયેલા જવાબ બાદ પગલાં ભરવા ડીડીઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રાજેન્દ્રસિંહ ગોહિલ સામે 18 મેએ અનગઢના મોકમસિંહ ઉદેસિંહ ગોહિલ દ્વારા નંદેસરી પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ થઈ હતી. જે મુજબ પનોલી ઈન્ટરમિડીયેટ કંપનીમાં ફરિયાદી મોકમસિંહ ગોહિલ સુપરવાઈઝર છે. 16 મે, 2021ના રોજ કંપનીમાં આવેલો 100 ફુટ ઊંચો ટાવર વાવાઝોડામાં ધરાશયી થઈ ગયો હતો.

ટાવર ધરાશયી થતા તેની નીચે કંપનીમાં કામ કરતા આશિષભાઈ કૌશિકભાઈ ગોહિલ દબાઈ જતા તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હતું. આ દરમિયાન રાજેન્દ્રસિંહ ગોહિલે રેસ્ક્યુ કામ અટકાવીને મોકમસિંહ ગોહિલ અને કંપનીના માણસો સાથે ઝપાઝપી કરીને મારમારી મોકમસિંહ પાસે રહેલી રિવોલ્વર ખૂંચવવાની કોશિષ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં રાજેન્દ્રસિંહ ગોહિલની નંદેસરી પોલીસે 19 મે 2021ના રોજ ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કર્યો હતો. આ ફરિયાદ બાદ રાજેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 73 (1) હેટળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના હોદ્દા પરથી દૂર કરવા પગલા ભરવા દરખાસ્ત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...