દારૂ વેચતા સાસુ-જમાઇ ઝડપાયા:વડોદરાના દશરથ ગામના તળાવમાં દારૂ છુપાવ્યો હોવાની જમાઇ અને સાસુએ કબૂલાત કરી, દારૂ-બીયર સહિત 28 હજારનો મુદ્દામાલ જપ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છાણી પોલીસ ઉંઘતી ઝડપાઇ, પીસીબી પોલીસે તળાવમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
  • દશરથ ગામમાં દારૂ વેચાણ કરતા સાસુ અને જમાઇની પોલીસે અટકાયત કરી

વડોદરા શહેરના દશરથ ગામમાં તળાવમાં દારૂ અને બિયરનો જથ્થો સંતાડી વેચાણ કરતા સાસુ તથા જમાઇને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે અને દારૂના 10 પાઉચ અને બીયરના 120 ટીન સહિત 28 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી છે. દારૂનો જથ્થો મોકલનાર એક શખસની શોધખોળ શરૂ કરી છે.

તળાવમાં અલગ-અલગ જગ્યાએ થેલામાં સંતાડ્યો હોવાની કબૂલાત કરી
વડોદરા શહેર પીસીબી પોલીસની ચોક્કસ માહિતી મળી હતી કે, દશરથ ગામ નજીક આવેલા તળાવ નજીક કમલેશભાઇ માળી તથા તેની સાસુ મંજુલાબેન માળી(બંને રહે, માળી મોહલ્લો, દશરથ ગામ, વડોદરા )વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ દારૂનો જથ્થો તળાવમાં અલગ-અલગ જગ્યાએ થેલામાં સંતાડ્યો હોવાની કબૂલાત કરી હતી.

એક આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી
પોલીસે તપાસ દરમિયાન તળાવમાંથી દારૂના 10 પાઉચ, બીયરના 120 ટીન, મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 3300 મળી કુલ 28,700ની મત્તા કબજે કરી હતી તેમજ આ દારૂનો જથ્થો રણોલી બ્રિજ પાસે આવેલા માળી મહોલ્લામાં રહેતા રાજેશ માળી પાસેથી વેચાણ અર્થે ખરીદ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે છાણી પોલીસે બંને આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

સ્ટેટ મોનિટરીંગ સેલ દારૂ પકડ્યો હતો
આ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં બે વખત દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં આવતા ગોત્રી વુડાના મકાનમાંથી વિદેશી દારૂની 1,389 બોટલોનો જથ્થો જપ્ત કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે સ્થળ પરથી એક યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી પોલીસ મથકને સોંપી હતી.

સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરા અને સેવાસી ખાતેના ગોડાઉન ઉપર દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. ત્યારે અઠવાડિયામાં બીજા દિવસે સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરીથી સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...