તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા જતાં પ્રવાસીએ 3 લાખ ગુમાવ્યા, ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધાં

વડોદરાએક મહિનો પહેલા
  • ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભળતી બોગસ સાઇટ મારફત લોકોને છેતરે છે
  • પ્રવાસીએ આ મામલે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરતાં પહેલાં સાવધાન થઈ જજો. તમારે નાણાં ગુમાવવાનો વારો આવી શકે છે. સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા જતાં પ્રવાસીને 3 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રવાસીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દેતાં ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં. આ મામલે પ્રવાસીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બોગસ સોશિયલ સાઇટો મારફત છેતરપિંડી થાય છે
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે અને રોજ હજારો પ્રવાસીઓ આવે છે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટિકિટ હાલમાં માત્ર ઓનલાઇન જ મળે છે, જેને લઇને કેટલાક ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટને ભળતી બોગસ વેબસાઇટ મારફત લોકોને છેતરી રહ્યા છે અને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહેતી એક વ્યક્તિને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટિકિટ લેવા જતાં 3 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ વ્યક્તિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી બોગસ સાઇટો મારફત લોકોને છેતરી રહ્યા છે.
ભેજાબાજો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી બોગસ સાઇટો મારફત લોકોને છેતરી રહ્યા છે.

ઓનલાઇન ટિકિટ માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ધીરાભાઈ માનાભાઈ ડામોરને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ ખરીદવાની હતી. તેમણે ઓનલાઇન ટિકિટ માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હતું, જેમાં એક કોલ સેન્ટરનો નંબર હતો અને એ નંબર પર તેમણે ફોન કર્યો હતો. આ દરમિયાન ભેજાબાજોએ બેંક એકાઉન્ટની વિગતો લઇને 3,05,951 રૂપિયા ઉપાડી લીધા હતા.

ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધાં
ફરિયાદી ધીરાભાઇ ડામોરના એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી 1,47,582 અને ફોન પે સાથે જોડાયેલા SBIના એકાઉન્ટમાંથી 1,58,369 રૂપિયાની છેતરપિંડી કરી હતી. એ બાબતે કેવડિયા પોલીસે આઈપીસીની કલમ 406,419,420,465 ,468 તેમજ આઇટી એક્ટ કલમ 66ડી મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસની વધુ તપાસ પીઆઇ આર.એ.જાદવ કરી રહ્યા છે.

પ્રવાસીએ આ મામલે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પ્રવાસીએ આ મામલે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ટિકિટમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઊઠી હતી
આ પહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઊઠી હતી અને અનેક પ્રવાસીઓ સાથે ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા છેતરપિંડી કરાઇ હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરાવવા જતા પ્રવાસીને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પહેલાં પણ છેતરપિંડી થઇ હતી

  • SOUના ટિકિટ દર કરતાં PDF ફાઈલમાં રકમ વધારી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે
  • 6 ટિકિટ લિમિટેશન હોય અને પ્રવાસીઓનું ગ્રુપ-8નું હોય તો 2 ટિકિટ ઓરિજિનલ કોપી પરથી ઝેરોક્ષ કરાવીને લાવે છે
  • 380ની ટિકિટ હોવાથી અને લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી પસાર ન થવું પડે એ માટે ટિકિટ પર બારકોડ બદલી એક્સપ્રેસની ટિકિટ કરી દેવામાં આવે છે.