કોરોનાની મહામારીમા કોવિડના કેસો જ્યારે ટોચ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તાલુકાસ્તરે સરકારી સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની સુવિધા સહિત કોરોનાની સારવારની વ્યવસ્થા એક પહેલરૂપે કરવામાં આવી હતી. જેના ખૂબ સારા પરિણામો મળ્યાં છે. 80થી 85 ટકાથી ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય અને 50થી 70 ટકા ફેફસામાં ઇન્ફેક્શન થયું હોય તેવા દર્દીઓ સ્વસ્થ થતાં અમારો ઉત્સાહ બેવડાયો હતો, તેમ ડો. અજયસિંઘે જણાવ્યું હતું.
87 દર્દીઓને પૂરેપૂરો આરોગ્ય લાભ થયો એ અમારે મન આનંદની વાત છે
ડભોઇના સરકારી દવાખાનામાં 21 એપ્રિલના રોજ તબીબી અધિક્ષક ડો.અજય સિંઘ અને તેમની ટીમે કોરોનાની સારવાર સેવાઓ શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 મે સુધીમાં 129 દર્દીઓ દાખલ થયાં હતાં. જે પૈકી 87 જેટલાં દર્દીઓને પૂરેપૂરો આરોગ્ય લાભ થયો એ અમારે મન આનંદની વાત છે.
41 દર્દીઓને વડોદરા જિલ્લાના દવાખાનામાં મોકલવામાં આવ્યા
વધારે સઘન સારવારની જરૂર હતી એવા 41 દર્દીઓને વડોદરા જિલ્લાના દવાખાનામાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું જેનો અમને ખેદ છે. હાલમાં બે દર્દીઓ સાધારણ ઓક્સિજનથી સારવાર લઈ રહ્યાં છે, તેવી જાણકારી આપતાં ડો.સિંઘે જણાવ્યું હતું કે, દર્દીઓની સારવાર માટે કુલ 442 ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 85 લોકોને ઓક્સિજન સારવારની જરૂર પડી હતી.
ઇતિહાસમાં પ્રથમવાર તાલુકા સ્તરના આરોગ્ય કેન્દ્રમાં મોટાપાયે ઓક્સિજનથી સારવાર થઇ
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઇતિહાસમાં પ્રથમવાર તાલુકા સ્તરના આરોગ્ય કેન્દ્રમાં આટલા મોટા પાયે ઓક્સિજનથી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ઓક્સિજન લેવલ ઘટીને 85થી 60 જેટલું થઈ ગયું હોય અને ફેફસામાં 50થી 70 ટકા જેટલો ચેપ હોય એવા દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી ત્યારે અમારો ઉત્સાહ બેવડાયો હતો.
કોરોનાની સારવારમાં તમામ જરૂરી તકેદારી લેવામાં આવી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરના અનુરોધથી વહીવટી તંત્રે પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા કરીને ભોજન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં સક્રિય ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)નો ખૂબ સહયોગ મળ્યો. જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશ્વિન પટેલ અને પદાધિકારીઓએ ખૂબ પીઠબળ આપ્યું અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનના મોનિટરિંગ હેઠળ સમગ્ર કામ થયું. તાઉ તે સમયે પણ તમામ જરૂરી તકેદારી આગોતરી લેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.