રાહત:આજવાની સપાટી 207 ફૂટ થઇ, ગત વર્ષ કરતાં હજુય 5 ફૂટની ઘટ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 દિવસમાં સરોવરની સપાટીમાં 1 ફૂટનો વધારો
  • 24 કલાકમાં ઉપરવાસમાં દોઢ ઈંચ વરસાદ થતાં પાણીની આવક

શહેરની 7 લાખની જનસંખ્યાને પાણી પૂરું પાડતા આજવા જળાશયની સપાટી આખરે ઠેઠ સપ્ટેમ્બર મહિનામાં 207 ફૂટે પહોંચી છે. છેલ્લા 10 દિવસમાં જ સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. અલબત્ત, ગત વર્ષની સરખામણીમાં હજુ 5 ફૂટ સપાટી ઓછી છે.

અત્રે નોંધનીય છે કે, 10 દિવસ અગાઉ આજવા સરોવરની સપાટી 205.95 ફૂટ હતી. ત્યારબાદ વરસાદી માહોલ જામતાં આજવા સરોવર અને ઉપરવાસમાં વરસાદ થતાં સરોવરની સપાટીમાં ધીમી ગતિએ વધારો શરૂ થયો હતો. ગુરુવારે રાત્રે આજવા જળાશયની સપાટી 206.70 ફૂટ હતી, જોકે આજવા વિસ્તારમાં 42 મિમી એટલે કે લગભગ દોઢ ઇંચ વરસાદ થતાં સપાટી વધીને શુક્રવારે સવારે 207 ફૂટ થઈ ગઈ હતી.

આજવા વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ 431 મિમી થયો છે. આજવાના ઉપરવાસ એવા પ્રતાપપુરામાં સિઝનનો વરસાદ 592 મિમી નોંધાયો છે. આ વખતે ચોમાસું આજવા વિસ્તારમાં નબળું રહેવાના કારણે સરોવરમાં પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. ગયા વર્ષની સરખામણીએ આજની સ્થિતિ મુજબ હજી 5 ફૂટ સપાટી ઓછી છે. આજવામાં સતત ઘટતી સપાટીને કારણે થોડા દિવસો અગાઉ વડોદરાના મેયરે સરકારમાં પત્ર લખીને આજવામાં પાણીની સપાટી વધુ ઘટે તો નર્મદાનું પાણી આજવામાં ભરી આપવા રજૂઆત કરી હતી. અલબત્ત હજી વરસાદની આગાહી છે અને આજવાના ઉપરવાસમાં વરસાદ પડે તો સપાટી વધી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...