હરિધામમાં 11મીએ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં વિશ્વશાંતિ યજ્ઞ થશે. જેમાં વિવિધ સંપ્રદાયના સંતો આશીર્વચન આપશે. દેશવિદેશના ભક્તો ઉપસ્થિત રહેશે. હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વૈશાખ સુદ-10 તા. 23 મે, 1934નાં રોજ વડોદરા જીલ્લાના આસોજ ખાતે થયો હતો. હરિધામ ખાતે સવારે 6 વાગ્યાથી વિશ્વશાંતિ યજ્ઞ યોજાશે.
આ યજ્ઞમાં પ.પૂ. સ્વામીજીના 88મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 88 યુગલો ભાગ લેશે. વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી આ યજ્ઞમાં પુરોહિત તરીકે શાસ્ત્રોક્ત વિધિ કરાવશે. લગભગ 11 કલાકે સંત ભગવંત પરમ પૂજ્ય જશભાઈ સાહેબજી અને પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના હસ્તે યજ્ઞનું બીડું હોમાવાની સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે.
આ પ્રસંગે નર્મદા સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને અતિપ્રિય એવા શ્રીમદ ભગવદગીતાના ‘પુરુષોત્તમ યોગ’ અને ‘ભક્તિ યોગ’ ઉપરાંત શાંતિમંત્રોનું સમૂહગાન કરશે. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની ‘સર્વધર્મ સમ, સર્વધર્મ મમ’ની જીવન ભાવનાને અનુરૂપ સનાતન હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાય અને પરંપરાના મુખ્ય સંતોમહંતોને આ પ્રસંગે નિમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. આ પૂજનીય સંતો-મહંતો આ અવસરે પૂજનવિધિમાં ભાગ લેશે અને આશીર્વચન પાઠવશે.
બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્યોત્સવની ઉજવણીનો મુખ્ય સમારોહ સાંજે 6.30થી શરૂ થશે જેમાં કીર્તન આરાધના, ભક્તિ નૃત્ય અને સત્સંગ દ્વારા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજીના યુગકાર્યને ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. મહાઆરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત ભાવિકો મોટી સંખ્યામાં ભાગ લેનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.