ધાર્મિક:આજે શુક્રવાર, ચિત્રા નક્ષત્ર અને ધનતેરસનો દુર્લભ યોગ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનો સારાં મુહૂર્તમાં ધન ધોઈ પરંપરા જાળવશે
  • સાંજે 6 વાગ્યા બાદ કાળી ચૌદસ

13 નવેમ્બરે શુક્રવાર અને ચિત્રા નક્ષત્રના યોગ સાથે ધન તેરસ ઊજવાશે. શુક્રવાર લક્ષ્મીજીનો વાર હોવાથી લક્ષ્મીજીની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે. ધન તેરસે સોનું ખરીદવાની અને પૂજા કરવાની પરંપરા છે. બીજી તરફ શનિવારે અમાસ, શનિવાર અને કાળી ચૌદશનો પણ દુર્લભ યોગ સર્જાયો છે.

શાસ્ત્રીજી નયન જોશીના જણાવ્યા અનુસાર 12 નવેમ્બરે વાક બારસની રાતે 9:32 કલાકથી ધન તેરસનો પ્રારંભ થયો છે. ધન તેરસની ઉદિત તિથિ 13 નવેમ્બરે ચિત્રા નક્ષત્ર સાથે પ્રાપ્ત થતી હોવાથી શુક્રવારે પૂજન કરવાનું રહેશે. શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી તેરસ રહેશે, ત્યારબાદ કાળી ચૌદશનો પ્રારંભ થશે. ધન્વંતરિ ભગવાનનું પ્રાગટ્ય પણ ધન તેરસે થયું હોવાથી લક્ષ્મીજીની સાથે ધન્વંતરિ પૂજનનો પણ વિશેષ મહિમા છે.

બીજી તરફ શુક્રવારે સાંજે 6 વાગ્યાથી કાળી ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે. જે 14 નવેમ્બર શનિવારે બપોરે 2:18 કલાક સુધી રહેશે. ત્યારબાદ અમાસ તિથિ સાથે દિવાળીનો પ્રારંભ થાય છે. કાળી ચૌદશની રાત્રીની પૂજા, ભૈરવ પૂજા, હનુમાનજીની ઉપાસના માટે શુક્રવારની રાત્રીના પૂજન કરવાનું રહેશે. જ્યારે દિવાળીનું શારદા પૂજન 14 નવેમ્બરે બપોરે 2:18 કલાક પછી કરવાનું રહેશે. શનિવાર અને અમાસ તિથિની સાથે કાળી ચૌદશ અને દિવાળીનો પણ અત્યંત દુર્લભ યોગ અનેક વર્ષ પછી પ્રાપ્ત થઈ રહ્યો છે. રવિવારે અમાસ તિથિ હોવા છતાં એ પડતર દિવસ રહેશે. જ્યારે 16 નવેમ્બરે સવારે 7:06 કલાક સુધી કારતક સુદ એકમ તિથિ સાથે બેસતું વર્ષ અને સવારે 7:06 કલાક પછી ભાઈબીજ રહેશે. જેથી આ વર્ષે બેસતું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે ઊજવાશે. વિક્રમ સંવત 2077નું નામ પરિધાવી સંવત્સર રહેશે.

આવતી કાલે બપોરે 2-18 વાગ્યા સુધી ચૌદસ અને પછી દિવાળી
13 નવેમ્બર
ધન તેરસના રોજ પૂજાના મુહૂર્ત
સવારે 6:45 થી સવારે 10:59 વાગ્યા સુધી
બપોરે 12:21 થી બપોરે 1:45 વાગ્યા સુધી
સાંજે 4:15 થી સાંજે 6:00 વાગ્યા સુધી

14 નવેમ્બર
દિવાળી ચોપડા પૂજનનાં મુહૂર્ત
બપોરે 2:15 થી સાંજે 4:30 વાગ્યા સુધી
સાંજે 5:20 થી 7:30 વાગ્યા સુધી
રાતે 9:10 થી 12:25 વાગ્યા સુધી

16 નવેમ્બર
નૂતન વર્ષ-ભાઈબીજનું શુભ મુહૂર્ત
સવારે 5:15 થી સવારે 7:15 વાગ્યા સુધી
સવારે 8:30 થી સવારે 11:30 વાગ્યા સુધી
સાંજે 4:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી

અન્ય સમાચારો પણ છે...