તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રામક પ્રચાર:વેક્સિન રોકવા 2 હજાર પત્રીકા વહેંચી ફાવટ ન આવતાં વધુ 3 હજાર છપાવી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક-રસીના ભ્રામક પ્રચાર માટે અવેકન ગુજરાત ગ્રૂપ એક્ટિવ
  • અવેકન ગુજરાતના ગ્રૂપમાં 500 જેટલા લોકો જોડાયેલા છે

કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડમાં રસીનો વિરોધ કરતાં અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ ગ્રૂપની 2 મહિલા સહિત 8 સભ્ય સામે સયાજીગંજ પોલીસે રવિવારે ઝડપી ગુનો નોંધ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, તેઓ ઓનલાઇન મિટિંગમાં ભેગા થયા બાદ માસ્ક ન પહેરવા તથા વેક્સિન ન લેવા સમજાવવાનું નક્કી કર્યું હતું. ગત જાન્યુઆરીમાં 2 હજાર પત્રિકા વહેંચ્યા બાદ સફળતા ન મળતાં માસ્ક-રસીના ભ્રામક પ્રચાર માટે ‌વધુ 3 હજાર પેમ્ફેલ્ટ પણ છપાવ્યાં હતાં. તેમણે પોલીસને કહ્યું કે, ઇન્ટરનેટ પરથી મળેલી માસ્ક-વેક્સિનની ભ્રામક માહિતી તેમણે સાચી માની લોકોને પહોંચાડી રહ્યા હતા.

કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસે કેટલાંક સ્ત્રી-પુરુષો વેક્સિન ન લેવા બાબતે ફેલાવો કરતાં હોવાની જાણ સયાજીગંજ પીઆઇ વી.બી.આલને થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાંથી અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ ગ્રૂપનાં નરેન્દ્ર પરમાર, ચન્દ્રકાંત મિસ્ત્રી, વિશાલ ફેરવાણી, કેવલ પીઠડિયા, જગવીન્દરસિંગ રાજેન્દ્રસિંઘ, ઇરફાન પટેલ, અવની ગજ્જર, ભૂમિકા ગજ્જરની અટકાયત કરી હતી. કેસની તપાસ પીએસઆઇ એમ.પી. ચૌધરીને સોંપાઇ હતી.

તપાસમાં બહાર આવ્યું કે, આ શખ્સોએ માસ્ક-રસી ન લેવાનો ભ્રામક પ્રચાર કરવા 3 હજાર પેમ્ફ્લેટ છપાવ્યાં હતાં પણ તેમાંથી 50 પેમ્ફ્લેટનું જ વિતરણ કરી શક્યાં હતાં. ઘણાં સ્થળોએ તેમને સ્થાનિકોનો જ વિરોધ સહન કરવો પડ્યો હતો, જેથી પેમ્ફ્લેટ વિતરણ કરવાનું બંધ કર્યું હતું. અવેકન ગુજરાતના ગ્રૂપમાં વડોદરા સહિત ગુજરાત અને દેશના 500થી વધુ લોકો સભ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 10 જાન્યુઆરીના રોજ વિશાલ ફેરવાની, કૈવલ પીઠડિયા અને નરેન્દ્ર પરમારે પેમ્ફેલેટ વહેંચ્યાં હોવાનું ખૂલ્યું હતું. પોલીસે 2 મહિલા સહિતના 8 જણાના મોબાઇલ કબજે કર્યા હતા.તેઓ કોની કોની સાથે સંપર્કમાં હતા અને ભ્રામક પ્રચારની માહિતીવાળું સાહિત્ય ક્યાંથી લાવ્યા હતા તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરી હતી.

નેચરોપેથીનો પ્રચાર કરવા માટે વેક્સિનનો દુષ્પ્રચાર શરૂ કર્યો
વિશાલ ફેરવાની 6 મહિનાથી નરેન્દ્ર પરમાર અને કેવલ પીઠડિયા સહિતના આરોપીઓની સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓએ નેચરોપેથીનો પ્રચાર કરવા રસીનો દુષ્પ્રચાર શરૂ કર્યો હતો. તેઓ નેચરોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદના વીડિયો ફોલો કરતા હતા. તેઓ નેચરોપેથીમાં વિશ્વાસ કરે છે અને શરીરમાં લાખો વાઇરસ હોય છે, કોરોના વાઇરસ અસર કરી શકતો નથી, તેવી ગેરમાન્યતા ધરાવતા હોવાનું સયાજીગંજ પીઆઇ વી.બી.આલે જણાવ્યું હતું. પેમ્ફ્લેટ છપાવવા પાછળ ફંડિંગ કોનું છે તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરી હતી. ટોળકીએ સોશિયલ મીડિયામાં મૂકેલા વીડિયો અને માહિતી ડિલીટ કર્યો હોવાથી ફોન જપ્ત કરી સાઇબર ક્રાઇમની મદદથી તપાસ શરૂ કરાઇ છે.

તમામ આરોપીના રિમાન્ડ નામંજૂર
8 આરોપીઓને આજે અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે અદાલતે રિમાન્ડ અરજી નામંજૂર કરતાં તમામ આરોપીએ જામીન અરજી મૂકતાં અરજી મંજૂર કરાઈ હતી.

ભૂમિકા ગજ્જર પાસેથી પેમ્ફ્લેટ મળ્યું
પકડાયેલાં સ્ત્રી-પુરુષોની ચકાસણી કરાતાં ભૂમિકા ગજજર પાસેથી પેમ્ફલેટ મળ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ક્યા કોરોના વેક્સિન મેન્ડેટરી હૈ યા નહીં, ક્યા કોવિડ ટીકાકરણ ન લેને વાલો કો કિસીકો ભી કિસી ભી પ્રકાર કી સરકાર સેવા સુવિધા યોજનાઓ સે વંચિત નહીં કિયા જા સકતા હૈ તેવું હિન્દીમાં લખાણ લખાયેલું હતું. 2 મહિલા અને 6 પુરુષોની રવિવારે રાત્રે 2 વાગ્યા સુધી પૂછપરછ કરી નિવેદન લેવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...