શહેર વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ ખાતે બપોરે 3:40 વાગ્યાના અરસામાં 68 વર્ષીય વૃદ્ધાએ ઝંપલાવી આપઘાત કરતાં દોડધામ મચી હતી. નજરે જોનાર પરિવાર દ્વારા મહિલાને બચાવવા ઈચ્છા વ્યક્ત કરાઈ હતી, પરંતુ વૃદ્ધાના ભારે શરીરને પગલે તેઓ હિંમત કરી શક્યા ન હતા. બનાવ અંગે તેમણે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતાં મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલાયો હતો.
સમગ્ર ઘટના અંગે સિટી પોલીસ મથકના પીઆઈ સાગરે જણાવ્યા મુજબ શહેરના કારેલીબાગ અમિત નગર પાસે આવેલી અરવિંદપાર્ક સોસાયટીમાં રહેતાં આરતીબહેન રોચાણીના બે પુત્રો પૈકી એક પુત્ર વિદેશમાં ડોક્ટર છે. જ્યારે અન્ય પુત્ર વડોદરામાં એન્જિનિયર તરીકે કાર્ય કરે છે.
છેલ્લાં 15 વર્ષથી બ્લડપ્રેશર, હાર્ટની બીમારીઓથી પીડાતાં આરતીબહેને સોમવારે બપોરે 2 વાગે પરિવારજનો સૂઈ ગયા પછી ઘરેથી નીકળી એક્ટિવા દ્વારા સરસિયા તળાવ પાસે પહોંચી આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસ અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.
માછલીઓ માટે જમવાનું પણ લાવ્યાં હતાં
પોલીસને ઘટના સ્થળેથી એક્ટિવા, ચંપલ અને માછલીઓને નાખવા માટે લાવેલા જમવાનાનો ડબ્બો પણ મળી આવ્યો હતો. ડબ્બામાં એક્ટિવાની ચાવી મૂક્યા બાદ વૃદ્ધા તળાવમાં ઊતરીને આગળ સુધી પહોંચ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.