કોંગ્રેસની નો રિપીટ થીયરી:NCPમાંથી 3 દિવસ પૂર્વે કોંગ્રેસમાં આવેલાં મહિલા તબીબને ટિકિટ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 બેઠકો પર નવાં ઉમેદવારો મૂક્યાં
  • અકોટામાંથી બાળુ સુર્વેનું નામ કપાતાં મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ

કોંગ્રેસે વડોદરાની 4 બેઠક ઉપર નો રિપીટ થીયરી અપનાવી ઉમેદવાર જાહેર કર્યાં છે. જેમાં NCPમાંથી 3 દિવસ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયેલાં મહિલા તબીબ ડૉ.તશ્વિન સિંઘને માંજલપુરનાં ઉમેદવાર જાહેર કરતાં વિરોધ થયો છે. અકોટામાંથી બાળુ સુર્વેનું નામ કપાતાં મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ ભભૂક્યો છે. કોંગ્રેસે સયાજીગંજ, અકોટા, માંજલપુર અને રાવપુરામાં નામોની જાહેરાત કરી ચોંકાવ્યા છે.

નવા ચહેરા મૂકવા સાથે કોંગ્રેસે ફાગવેલ ખાતે એનસીપી સાથે છેડો ફાડી તશ્વિન સિંઘ કોંગ્રેસમાં જોડાયાં હતાં. શનિવારે માંજલપુર વિધાનસભામાં ઉમેદવારી કરનાર દાવેદારો- કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયે દોડી આવ્યા હતા અને ચીમકી આપી હતી કે, જો આ ઉમેદવાર ચૂંટણી લડશે તો માંજલપુર વિધાનસભાના 217 બૂથ પર કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નહીં હોય.

ચૂંટણી પ્રચારની કામગીરી અન્ય વિધાનસભામાં કરશે. અકોટા વિધાનસભા બેઠક પર બાળુ સૂર્વેનું પત્તું કપાતાં મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. મરાઠી ઉમેદવારને 4 બેઠકોમાંથી એક પર પણ પ્રતિનિધિત્વ નહીં મળતાં મહારાષ્ટ્રીયન સમાજે સોશિયલ મીડિયા પર કોંગ્રેસનો વિરોધ દર્શાવ્યો છે. ડૉ.તશ્વિન સિંઘે જણાવ્યું કે, તેઓ સૌ પ્રથમ કાર્યકર્તાઓની નારાજગી દૂર કરવા પ્રયત્ન કરી કરી સાથે રાખીને ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

નારાજ બાળુ સૂર્વે અને પુષ્પાબેન વાઘેલાને નવી જવાબદારી મળશે?
વોર્ડ 13માં 4 બેઠકમાંથી માત્ર કોંગ્રેસના વિજયી બનેલા કાઉન્સિલર બાળુ સુર્વેએ અકોટા વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી કરી પ્રચાર શરૂ કરી દીધો હતો. એકાએક શહેર પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ જાહેર થતાં જ મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ વ્યાપ્યો છે. ગત ચૂંટણીમાં બાળુ સુર્વેની જગ્યાએ રણજિત ચૌહાણને ટિકિટ અપાઈ હતી. તેવામાં વધુ એક વખત બાળુ સુર્વેનું નામ કપાયું છે. જોકે તેમને પાલિકામાં વિરોધ પક્ષના નેતાની જગ્યા મળી શકે તેવી પ્રબળ શક્યતા છે. તે જ રીતે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાને પણ સયાજીગંજની ટિકિટની શક્યતા હતી અને પ્રચાર આદર્યો હતો. અમી રાવતનું નામ જાહેર થતાં તેઓને પણ વિપક્ષનાં નેતા બનાવવામાં આવશે તેવી શક્યતા છે. સાથે શહેર પ્રમુખના પદ માટે પણ કહી શકે છે.

પ્રશાંત પટેલ જૂથને સાઇડ ટ્રેક કરી દેવામાં આવ્યું?
શહેર કોંગ્રેસમાં અનેક વખત જૂથબંધીના કિસ્સા બન્યા છે. નવા શહેર પ્રમુખની પ્રમુખની વરણી બાદ પાર્ટીના કાર્યક્રમમાં કાઉન્સિલરોની ગેરહાજરી તેમજ કાઉન્સિલર અને કાર્યકર્તાઓના અપમાન જેવી બાબતો ઉભરી હતી. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પણ મારો મિત્ર કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ વખતે પ્રશાંત પટેલના જૂથને સાઈડ ટ્રેક કરવામાં આવ્યું હોવાનું ચર્ચાયું છે.

તો વાડી વિધાનસભામાં પણ નવા ચહેરાને તક મળી શકે
પાર્ટીએ 4 વિધાનસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેના પરથી એ વાત ચોક્કસ છે કે શહેર વાડી વિધાનસભામાં પણ કોંગ્રેસ નવો ચહેરો મૂકી શકે છે. જેમાં મહિલા ઉમેદવાર હોવાની પણ પ્રબળ શક્યતા છે તેવું ખુદ કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે. જોકે એ વાતને પણ નકારી નહિ શકાય કે માંજલપુર જેવા કોન્સેસની પ્રક્રિયામાં ભાગ નહિ લેનારને પણ ટિકિટ આપી શકે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...