મુંબઈના મલાડમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઇ પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો હતો અને તેને લઈને પોલીસ તેજસ એક્સપ્રેસમાં મુંબઈ લઈ જઈ હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં કુદરતી હાજતે જવાનું બહાનું બતાવી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા રેલવે સ્ટેશન પરથી ફરાર થઈ રહેલો આરોપી સ્ટેશનના CCTVમાં કેદ થયો હતો. વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આરોપી દિલ્હીથી ઝડપાયો
મુંબઈના મલાડમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી નિશીતકુમાર અનિલકુમાર શાહી (રહે. ન્યુ દિલ્હી) દિલ્હીમાં હોવાની માહિતી મુંબઇ પોલીસને મળી હતી. જેના આધારે મુંબઈ પોલીસની એક ટીમ દિલ્હી ગઇ હતી અને મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી આરોપી નિશીતકુમાર શાહીને દબોચી લીધો હતો.
પોલીસ રાહ જોતી ઊભી રહી
દરમિયાન મુંબઈ પોલીસ આરોપીને ચુસ્ત જાપ્તા હેઠળ ન્યુ દિલ્હીથી તેજસ રાજધાની એક્સપ્રેસમાં લઇને મુંબઇ તરફ જઇ રહી હતી. ટ્રેન સવારે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા આરોપી નિશીત શાહીએ કુદરતી હાજતે જવાનું જાપ્તાની પોલીસને જણાવ્યું હતું. જેથી જાપ્તાની પોલીસ ટ્રેનના શૌચાલયમાં આરોપીને મૂકી શૌચાલય બહાર પહેરો લગાવી રહી હતી. પરંતુ, કુખ્યાત ઠગ નિશીત શાહી ટ્રેનના શૌચાલયની બારીમાંથી શિફતપૂર્વક નીકળી ફરાર થઈ ગયો હતો અને પોલીસ શૌચાલયની બહાર આરોપી બહાર નીકળે તેની રાહ જોઈને ઊભી રહી હતી.
આરોપી શૌચાલયમાંથી ફરાર
શોચાલયમાં ગયેલ આરોપી લાંબા સમય સુધી બહાર ન આવતા શૌચાલયની બહાર ઊભી રહેલી પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે શૌચાલયનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, આરોપીનો વળતો કોઇ જવાબ ન મળતા, પોલીસે શૌચાલયની વેન્ટિલેટર બારી પાસે જઈને તપાસ કરતા આરોપી શૌચાલયની બારીના કાચ કાઢી તેમાંથી શિફતપૂર્વક નીકળી ફરાર થઇ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું.
વડોદરા પોલીસ તપાસમાં લાગી
દરમિયાન મુંબઇ પોલીસે આરોપી ફરાર થઈ ગયો હોવાની જાણ વડોદરા રેલવે પોલીસને કરતા રેલવે પોલીસે મુંબઈ પોલીસની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી મુંબઇ પોલીસ સાથે તપાસમાં જોડાઇ હતી. જોકે, ફરાર થઈ ગયેલા નામચીન ઠગ નિશીત શાહી મળી આવ્યો ન હતો. દરમિયાન પોલીસે રેલવે સ્ટેશન સ્થિત CCTV ફૂટેજની ચકાસણી કરતા આરોપી ફરાર થઈ રહ્યો હોવાનું જણાઇ આવ્યું હતું.
આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો
વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી મુંબઇ મલાડનો ઠગ નિશીત શાહી ફરાર થઈ ગયો હોવાની વાત વાયુવેગે પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. આ આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો અને ઝડપાયો ત્યારે પોલીસને ચકમો આપી પુનઃ ફરાર થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.