તપાસ:ઠગ હર્ષિલને 3.65 લાખની ઠગાઇમાં 5 દિવસના રિમાન્ડ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GMERSના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને નામે છેતર્યો હતો
  • કોની મદદથી બોગસ ડોક્યૂમેન્ટ બનાવ્યાં તેની તપાસ

ગુજરાતની જીએમઈઆરએસ હોસ્પિટલોમાં સિક્યુરીટી વર્ક કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને વેપારી પાસેથી રૂા.3.65 લાખ પડાવી લેવાના કેસમાં હર્ષિલ લીંબાચીયાની માંજલપુર પોલીસે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. પોલીસે કોર્ટમાં હર્ષિલ લીંબાચીયાએ જે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાં છે તે કોની મદદથી બનાવ્યાં છે અને ક્યાં બનાવ્યાં છે. આ ઉપરાંત આ છેતરપીંડીમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરવાની હોવાથી રિમાન્ડની માંગણી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, હર્ષિલ વિરુદ્ધ આ પહેલાં ગાંધીનગરના યુવાનોને સરકારી નોકરી આપવાના બહાને રૂા.48 લાખની છેતરપિંડીની તપાસ ચાલી રહી હતી. જ્યારે નવી છેતરપીંડીનો કેસ આવતા ઠગની બીજા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એક પછી એક બે ગુના નોંધાયા બાદ હજુ પણ હર્ષિલના કારનામાંના પગલે અન્ય ફરિયાદો નોંધાય તેવી પણ વકી રહેલી છે.

ઉપરોક્ત ગુનામાં ન્યૂ સમા રોડના ઉમિયાનગરમાં રહેતા દિપક સતીષચંદ્ર શર્મા ઈન્ડિયન આર્મર સર્વિસીસ નામથી સિક્યુરિટી એજન્સી ચલાવે છે. જેમની પાસેથી હર્ષિલે ગુજરાતની તમામ જીએમઈઆરએસની હોસ્પિટલોમાં વર્ક ઓર્ડર અપાવવાના બહાને વેપારી પાસેથી 10 લાખ રૂપિયા ઉપરાંત આઈફોન અને રૂા.31 હજાર રોકડા લીધા હતાં.

વેપારીએ ગોત્રી જીએમઈઆરએસ ખાતે તપાસ કરતાં ત્યાં કોઈ સિક્યુરિટી બદલવાની નથી તેમ જાણવા મળ્યું હતું. હર્ષિલ ફ્રોડ હોવાનું જણાતાં વેપારીએ રૂપિયા પરત માગતાં તેણે 1.30 લાખ રોકડા અને 6.05 લાખ બેંકમાં જમા કરાવ્યા હતા. જોકે બાકીના 3.65 લાખ હર્ષિલે પરત ના આપતાં વેપારીએ માંજલપુર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...