પોતાના સગા સાળાને ઓએનજીસીમાં નોકરી અને કેનેડા મોકલવાની લાલચ આપી ઠગાઇ કરવાના કેસમાં પકડાયેલા ભાજપના કથિત કાર્યકર ચિંતન પટેલે તાંદલજાના 4 વ્યક્તિ સાથે પણ ઓએનજીસીમાં નોકરી અપાવાના બહાને વધુ 20 લાખની ઠગાઇ કરવા બાબતે જેપી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી. ઠગ ચિંતને યુવકોને નોકરીના બોગસ નિમણુક પત્રો આપ્યા હતા.
ડભોઇના સિંધીયાપુરા ગામના સોહિલહુસેન લિયાકતહુસેન સિંધીએ પોલીસને જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં તેમના પિતાને ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ (રહે, શ્રી સોસા.વાઘોડીયા રોડ) સાથે થઇ હતી. ચિંતને પોતે બિલ્ડર હોવાનું કહી ઓએનજીસીમાં નોકરી અપાવાની લાલચ આપી તાંદલજામાં રહેતા તેમના મામા સાહિદહુસેન સિંધીના ઘેર તેના માતા પિતા અને ચિંતન આવ્યા હતા. અને મામાને પણ કોઇને નોકરીની જરુર હોવાનું કહ્યું હતું. જેથી તેમના મામાએ સોહિલ તથ ાતેમના સાળાના પુત્ર તોસીફ ગુલ્લામહંમદ સિંધા અને કુટુંબી ભાઇ અસફાક લિયાકતમહંમદ સિંધી અને મિત્રના પુત્ર વિશ્વરાજસિંહ કિશોરસિંહ વાઘેલાને નોકરીની વાત કરતાં ચિંતને તમામને સારી પોસ્ટ પર નોકરી અપાવીશ તેવી લાલચ આપી વ્યક્તિ દીઠ 5 લાખ થશે તેમ જણાવી પૈસા આપશો ત્યારે બે મહિનામાં ઓર્ડર મળી જશે તેમ જણાવ્યું હતું.
જેમાં ત્રણેય યુવકના પૈસા ચેકથી આપવાની વાત કરતાં ચિંતને ચેકથી પૈસા લેવાની ના પાડી રોકડા આપવા જણાવ્યું હતું. ચિંતને મોટી મોટી ઓળખાણો હોવાનું કહી નોકરી નહી મળે તો પૈસા પાછા આપી દેવાની વાત કરી લાલચ આપતાં તમામે 5-5 લાખ રુપીયા મળીને 20 લાખ રુપીયા ચિંતનને આપ્યા હતા. એક મહિના બાદ ચિંતને આવીને તેમને 60 હજારના પે સ્કેલથી પીઆરઓ તરીકેનો નોકરીનો પત્ર આપ્યો હતો. જેમાં ઓએનજીસીના માર્કા સાથે અમદાવાદના સરનામાનો પત્ર હતો.
અંગ્રેજીમાં એસ.કે.ચતુર્વેદી, એચઆર મેનેજર લખેલું હતું. ચારેય યુવકને આ પ્રકારે પત્ર આપતાં ઓએનજીસીમાં તપાસ કરાવાતા જાણ થઇ હતી કે આ નિમણુંકપત્રો ખોટા છે. ત્યારે ચિંતને જણાવ્યું હતું કે હું તમને નોકરી અપાવીને રહીશ પણ ત્યારબાદ અવાર નવાર સંપર્ક કરતા તેણે વાયદાઓ કરીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
ભાઇ ONGCમાં MD હોવાની બડાશ હાંકી
ઠગ ચિંતને તમામ વ્યક્તિઓને તેના પિતા દિલ્હીમાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં કમિશનર હોવાની તથા તેનો ભાઇ અજય પટેલ અમદાવાદ ચાંદખેડામાં ઓએનજીસીમાં એમડીની પોસ્ટ પર હોવાની બડાશ હાંકી વ્યક્તિ દીઠ 5 લાખમાં નોકરી અપાવાની લાલચ આપી હતી અને બોગસ નિમણુંક પત્રો આપીને ઠગી લીધા હતા અને પૈસા હડપ કરી લઇ નોકરી અપાવી ન હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.